હેમિલ્ટન  

ઓપનર ટીમ સીફર્ટ અને કેન વિલિયમસનની મજબૂત પાર્ટનરશિપના સહારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામેની બીજી ટી૨૦ મેચ પણ જીતી લીધી હતી અને ત્રણ મેચની આ સિરીઝને ૨-૦થી પ્રાપ્ત કરી લીધી છે. પ્રથમ દાવ લેતાં પાકિસ્તાન ૨૦ ઓવરમાં હફિઝની ૯૯ નોટઆઉટ ઈનિંગ છતાં પણ છ વિકેટે ૧૬૩ રન નોંધાવી શક્યું હતું. ન્યૂઝીલેન્ડે ફક્ત એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડનો ઓપનર માર્ટિન ગુપ્ટીલ ફહીમ અશરફની બોલિંગમાં હારિસ રઉફના હાથે કેચઆઉટ થયો હતો, તેણે ફક્ત ૧૧ બોલમાં ૨૧ રન નોંધાવ્યા હતાં. ત્યાર બાદ કેન વિલિયમસન ઓપનર ટીમ સીફર્ટ સાથે જોડાયો હતો અને બન્નેએ નોટઆઉટ રહીને ટાર્ગેટ સિદ્ધ કરી લીધું હતું. ન્યૂઝીલેન્ડે ૧૯.૨ ઓવરમાં ૧૬૪ રન નોંધાવ્યા હતા ત્યારે સીફર્ટ ૬૩ બોલમાં ૮૪ રન પર અને વિલિયમસન ૪૨ બોલમાં ૫૭ રન સાથે નોટઆઉટ હતા. ફક્ત ૨૧ રનમાં પાકિસ્તાનની ચાર વિકેટ ખેરવનાર ટીમ સાઉથીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

આ અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને મોટો સ્કોર નોંધાવવાના ઉદ્દેશ સાથે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પણ મોહમ્મદ હફિઝને બાદ કરતાં કોઈ ખેલાડી ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સ સામે ટકી શક્યો ન હતો. હફિઝે પોતાની કેરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ દર્શાવી હતી, ૯૯ રન સાથે નોટઆઉટ રહ્યો હતો. હૈદર અલી ફક્ત આઠ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. તેના પછી અબ્દુલ્લા શફીક પણ ઝડપથી પેવેલિયનમાં પાછો ફર્યો હતો. જો કે નંબર ચાર પર બેટિંગ કરવા આવેલો મોહમ્મદ હફિઝ એક છેડા પર છેક સુધી જળવાઇ રહ્યો હતો. તેણે ફક્ત ૫૭ બોલમાં ૧૦ ચોકા અને પાંચ છક્કાની મદદથી નોટઆઉટ ૯૯ રન બનાવ્યા હતા, તે ફક્ત એક રન માટે આ ફોર્મેટની તેની પ્રથમ સદી ચૂકી ગયો હતો. તેણે ફાઇલ જેમિસનના છેલ્લા ત્રણ બોલમાં ૧૬ રન લીધા હતા અને છેલ્લા બોલ પર છક્કો માર્યો હતો.