દિલ્લી-

કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સંક્રમણના નવા કેસોમાં મંગળવારે એક મોટો ઘટાડો જોવા મળ્યો અને દૈનિક કેસ 30 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયે મંગળવારે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 28204 નવા કેસ મળ્યા છે. સંક્રમણના દૈનિક કેસોમાં છેલ્લા 147 દિવસ દરમિયાન આ સૌથી મોટો ઘટાડો છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 373 લોકોના જીવ ગયા છે.

ઉલ્લેખનીય છે કે 26 જુલાઈના રોજ 30 હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. કોરોના વાયરસ મહામારીમાં અત્યાર સુધી કુલ 3,19,98,158 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે રિકવર થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,11,80,968 છે. વળી, અત્યાર સુધીના કુલ સક્રિય કેસ 3,88,508 છે તેમજ કોરોનાના કારણે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 4,28,682 સુધી પહોંચી ગયો છે. કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 51 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. સોમવારે 54.91 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આઈસીએમઆર મુજબ અત્યાર સુધી 48 કરોડ 32 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારે 15.11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પૉઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં મૃત્યુદર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.45 ટકા છે. સક્રિય કેસ 1.26 ટકા છે. કોરોનાના સક્રિય કેસો બાબતે ભારત દુનિયામાં આઠમાં સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યા બાબતે ભારત 10માં સ્થાને છે.

કેરળમાં આવ્યા સૌથી વધુ કેસ

કેરળમાં સોમવારે કોરોના વાયરસના 13049 નવા કેસ સામે આવ્યા ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 35,65,574 થઈ ગઈ છે. કેરળમાં વધુ 105 લોકોના મોત થયા બાદ અત્યાર સુધી રાજ્યનો કોરોના મૃત્યુઆંક 17852 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 33,77,691 લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 1,69,512 દર્દીઓ ઈલાજ કરાવી રહ્યા છે. કેરળમાં સંક્રમણનો દર 13.23 ટકા છે.