દિલ્હી-

ભારતમાં આજનો શનિવાર જાણે વેક્સિનવાર બની જશે. વડાપ્રધાન દેશભરમાં છવાયેલા 3006 જેટલા રસીકરણ કેન્દ્રો પર એકસાથે સવારે 10ઃ30 રસીકરણનો વિડિયો કોન્ફરન્સીંગથી આરંભ કરાવશે તે સાથે દુનિયાના સૌથી મોટા રસીકરણનો આરંભ થશે. દરેક કેન્દ્ર પર અલગ અલગ મોરચે લડી રહેલા ઓછામાં ઓછા 100 જેટલા કર્મચારીઓને રસી મૂકાશે.

પહેલા તબક્કામાં કોરોના માટે અગ્રીમ હરોળમાં લડી રહેલા કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. મનાય છે કે, આ તબક્કામાં 1 કરોડ હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વોરીયર્સને મફતમાં રસી મૂકવામાં આવશે. હેલ્થકેર કર્મચારીઓમાં ડોક્ટર્સ, નર્સ, અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અન્ય લોકોને રસી મૂકાશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા અને 50 વર્ષથી ઓછી છતાં ગંભીર પ્રકારની બિમારીઓ ધરાવતા લોકોને રસી મૂકવામાં આવશે. આ પ્રકારના હાઈ રીસ્ક ધરાવતા 27 કરોડ લોકોને રસી મૂકવામાં આવશે. 

ભારતની આશરે 130 કરોડની વસ્તીમાં ચૂંટણી હાથ ધરવાનો તંત્રને અનુભવ હોવાથી લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આધાર બનતા લિસ્ટનો ઉપયોગ કરીને રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.