વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને શહેરમાં સભાઓ ગજાવવાને માટે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતો. કોંગ્રેસને ડૂબતી નાવ કહી મોદી હૈ તો મુમકીન હાઈનો નારો આપીને ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાને માટે ભાજપને માટે મત આપવાની મતદારોને અપીલ કરી હતી. તેઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદને લગતો કાયદો લાવવામાં આવશે. આ ઉપરાંત વડોદરા સહિતના જે મહાનગરોમાં મેટ્રો નથી.ત્યાં મેટ્રો દોડાવવામાં આવશે એમ જણાવીને વિકાસ કરવાને માટે પણ ભાજપને મત આપવા અપીલ કરી હતી.

પક્ષના માપદંડોને આવકારી લાલચ ત્યજનારનો આભાર માન્યો

મુખ્યમંત્રીએ પ્રવચનમાં પોતાના ભારતીય જનતા પક્ષે ઉમેદવારોને માટે ચૂંટણી પહેલા નક્કી કરેલા માપદંડને વધાવીને ઉમેદવારી ત્યજનારનો આભાર માન્યો હતો. તેમજ તેઓના બલિદાનને કારણે નવયુવાનોને તક મળી હોવાનું ઉમેર્યું હતું.

વડોદરામાં સયાજીરાવ જેવી ઉત્તમ રાજવ્યવસ્થા સ્થાપવા પાંચ વર્ષમાં રાજ્યે રૂ.૭૫૦૦ કરોડ આપ્યા

વડોદરા સંસ્કારી અને શૈક્ષણિક નગરી છે. સયાજીરાવની ઉત્તમ રાજવ્યવસ્થાનું શહેર છે.એની દુનિયાના શહેરોની સાથે સરખામણી થાય એ પ્રકારનું શહેર બનાવવાનું છે. રાજ્ય સરકારે વડોદરાના વિકાસને માટે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૭૫૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. નાણાંને કારણે કોઈ કામો અટકે નહિ એનું ખાસ ધ્યાન રાખ્યું છે. કામ કરો નાણાં મળશે.ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં રાજ્યનું બજેટ આઠ હજાર કરોડ હતું.જે આજે ભાજપના શાસનમાં રૂપિયા ૨.૧૦ લાખ કરોડ થયું છે. ભૂતકાળમાં રાજીવ ગાંધીએ કહ્યું એમ એક રૂપિયો મોકલે તો માત્ર પંદર પૈસાના કામ થતા હતા. જયારે ભાજપના શાસનમાં નરેન્દ્ર મોદી એક રૂપિયો મોકલે છે.તો સવા રૂપિયા જેવું કામ થાય છે. કોંગ્રેસના રાજમાં કયા વચેટિયાઓ નાણાં ચાઉં કરી જતા હતા?એવો પ્રશ્ન સભામાં ઉઠાવ્યો હતો.મોદીનો સિદ્ધાંત છે “હું ખાતો નથી અને ખાવા પણ દેતો નથી”એને કારણે આ શક્ય બન્યું છે. જેને લઈને અવિરત વિકાસ થઇ રહ્યો છે.

ગાંધી -સરદાર પછી હવે મોદીનું ગુજરાત

રાજ્ય સરકારે ગુંડાઓ અને જમીન હડપનારાઓને માટે દશ વર્ષ સુધી જેલની સજાના કડક કાયદાનો ઉલ્લેખ કરીને પ્રજાના સંરક્ષણને માટે સરકાર સક્રિય અને જાગૃત હોવાનું જણાવ્યું હતું. ગુજરાત ગાંધી -સરદાર પછીથી હવે મોદીનું ગુજરાત છે. એમ જણાવીને મોદીના નામે પણ મત માગ્યા હતા.