વડોદરા

શહેરમાં આજે ઓછુ મતદાન થતાં રાજકિય કાર્યકરો સાથે સામાજિક કાર્યકરો અને સંસ્થાઓના કાર્યકરોમાં ભારે ચિંતાનું મોજુ ફેલાયુ હતુ. મતદાન માટે નીરસ વાતાવરણના પગલે બપોર બાદ મતદાન કરવા માટે લોકોને બહાર નીકળવા માટેની અપીલ કરવા માટે સોસાયટી અને પોળોમાં યુવાનોના ધાડેધાડે નીકળ્યા હતા જેના કારણે મતદાનના અંતિમ દોઢ-બે કલાકમાં મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો જયારે ગોત્રી વિસ્તારમાં પણ ા યુવાન ધારાશાસ્ત્રી અને તેમના મિત્રો બાઈક પર મતદારોને મતદાન માટે મીની લાઉડસ્પિકર લઈને અપીલ કરવા નીકળ્યા હતા.

રાજ્યમાં તમામ શહેરોમાં મતદારોએ આ વખતની કોર્પોરેશનમાં મતદાન માટે ભાર નીરસતા દાખવી હતી. આજે સવારે મતદાન શરૂ થતાં જ રાજકિય પક્ષોના ઉમેદવારો તેમજ તેઓના ટેકેદારો અને કાર્યકરોએ મતદાન કર્યું હતું. જાેકે ત્યારબાદ બપોરના અગિયાર બાદ મતદાનનો પ્રવાહ સાવ ઠંડો પડ્યો હતો અને કેટલાક બુથ પર તો એકલ-દોકલ મતદારો નજરે ચઢ્યા હતા. બપોરે સુધી માંડ વીસ-પચીસ ટકા મતદાનના પગલે રાજકિય પક્ષો અને કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

મતદાન પુરા થવા માટે દોઢેક કલાક જ બાકી હોઈ મતદારોને મતદાન કરવા માટે ઘરમાંથી બહાર નીકળવાની અપીલ કરવા માટે રાજકિય પક્ષોના કાર્યકરો અને યુવાનોના ટોળેટોળે પોળો અને સોસાયટીમાં ઉમટી પડ્યા હતા અને તેઓએ મતદાનની અપીલ કરી હતી.

આ દરમિયાન ગોત્રી રોડ પર વોર્ડ-૧૦માં પણ યુવાન ધારાશાસ્ત્રી ભૈામિક શાહ અને તેમના મિત્રોએ મતદાન કરવા માટે લોકોને મતદાન મથકમાં જવા માટેની અપિલ કરવા માટે બાઈક પર નીકળ્યા હતા અને ધારાશાસ્ત્રીએ તો મીની લાઉડસ્પિકર પર સોસાયટીઓમાં જઈને મતદાન માટે અપીલ સાથે મતદારોને તેઓના હક્ક વિશે જાગૃત કર્યા હતા. આ અપીલના પગલે મતદાન માટે જવું કે નહી જવુ તેની અસંમજસમાં પડેલા કેટલાય મતદારો તુરંત મતદાન કરવા માટે નીકળ્યા હતા. મતદાન માટે ઠેર-ઠેર અંતિમ ઘડી સુધી થયેલા પ્રયાસોને પગલે છેલ્લા દોઢેક કલાકમાં મતદાનનું સરેરાશ પ્રમાણ વધ્યુ હતું.

ભાજપા અને કોંગ્રેસની તમામ રણનિતીઓ બોગસ સાબિત થઈ

રાજ્યમાં કોર્પોરેશનની ચુટણીઓ માટે રાજ્યના બે મુખ્ય પક્ષો ભાજપા અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ રણનિતીઓ બનાવવામાં આવી હતી. ભાજપા દ્વારા પેજ પ્રમુખ બનાવી માઈક્રો પ્લાનીંગનો દાવો કરાયો હતો જયારે કોંગ્રેસ દ્વારા પણ છેલ્લી ઘડી સુધી પ્રચાર સાથે ગ્રુપ મીટીંગો કરી મતદારો સાથે જીવંત સંપર્ક રાખવામાં આવ્યો હતો. જાેકે બંને હરીફ પક્ષોના જંગી મતદાનના દાવા આજે મતદારોએ મતદાનની વંચિત રહીને પોકળ સાબિત કર્યા હતા. આ અંગે રાજકિય પક્ષોએ ઓછા મતદાન માટે કોરોનોનો વાવર ઉપરાંત ભાવવધારો અને ગમે તેને વોટ આપો પરંતું પરિસ્થિતિ નથી બદલાતી તેની મતદારોને ખબર પડી ગઈ છે માટે ઓછુ મતદાન થયું છે તેવા કારણો આપી બચાવ કર્યો હતો.