રાજકોટ, રાજકોટના જાણીતા બિલ્ડર ડાયાભાઈ કોટેચાની વર્ષ ૨૦૦૯માં તેની જ ઓફિસમાં છરીઓના ઘા મારી કરવામાં આવેલ હત્યાના કેસમાં પકડાયેલ આણંદપરના શૈલેન્દ્રસિંહ જાડેજાને રાજકોટ સેશન્સ અદાલતે ફટકારેલી આજીવન કેદની સજાના હુકમ સામે કરાયેલ અપીલ હાઈકોર્ટે બાદ સુપ્રીમ કોર્ટે પણ નામંજૂર કરી છે. હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે આજીવન કેદ સજા યથાવત રાખતા ભૂમાફિયાઓમાં ખોફની લાગણી પ્રસરી જવા પામી છે.આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં જમીન-મકાનના વ્યવસાયમાં ટોચનું સ્થાન ધરાવતા અને લોહાણા અગ્રણી ડાયાભાઈ કોટેચાને આણંદપર ગામના શૈલેન્દ્રસિંહ બચુભા જાડેજાએ આણંદપરની સર્વે નં.૪૪૧ની જમીનના વિવાદ સંદર્ભે તા.૨૫-૩-૨૦૦૯ના સાંજના સમયે ફૂલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝા બિલ્ડિંગમાં તેમની ઓફિસમાં જ છરીના ઉપરા છાપરી ઘા મારી મૃત્યુ નિપજાવ્યાના બનાવની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હતી જેમાં એવો આક્ષેપ કરાયેલ કે આણંદપરની સર્વે નં.૪૪૧ની કિંમતી જમીન સંદર્ભે આરોપી તથા ગુજરનાર વચ્ચે કાલાવડની સિવિલ અદાલતમાં તકરાર ચાલુ હોય તે દરમિયાન મૃતક ડાયાભાઈને આરોપી તથા તેના પરિવારજનો દ્વારા પરેશાન કરવામાં આવતા ડાયાભાઈએ વિવિધ જગ્યાએ તેની ફરિયાદો કરી હતી જે બાબતનો ખાર રાખી આરોપી શૈલેન્દ્રસિંહ જાડેજાએ તા.૨૫-૩-૨૦૦૯ના સાંજના પોણા આઠેક વાગ્યાના સમયે જમીનના વિવાદને સુલટાવવાના બહાને ડાયાભાઈ કોટેચાની ઓફિસે જઈ મારી નાખવાના ઈરાદાથી છરીના ઉપરા છાપરી ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી.આરોપી સામેના કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલતા રાજકોટના મહિલા અધિક સેશન્સ જજ એ.એન. અંજારિયાએ આરોપીને ડાયાભાઇ કોટેચાની હત્યા કરવા અને પુરાવાનો નાશ કરવા સહિતની ઈપીકો કલમ-૩૦૨, ૪૫૦, ૨૦૧, ૧૮૮ સહિતની કલમો હેઠળ તકસીરવાર ઠરાવી આરોપીને આજીવન કેદની સજા તથા દંડનો હકમ ફરમાવેલ હતો.સેશન્સ કોર્ટના ચૂકાદાને આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટના ડિવિઝનલ બેંચ સમક્ષ પડકારવામાં આવતા આરોપી તરફે એવી રજૂઆતો કરાયેલ કે સેશન્સ અદાલતનો ચૂકાદો કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો વિરુધ્ધ અને સાક્ષીઓ પર આધાર રાખીને અપાયેલો હોય કાયદાકિય રીતે ચૂકાદો ટકવાપાત્ર નથી તેમજ કેસમાં નજરે જાેનાર સાહેદો અદાલત સમક્ષ આરોપીને ઓળખી શકેલ ન હોય કે ઓળખવાનો ઈનકાર કરેલ હોય ત્યારે માત્ર સાંભળેલી વાતોની હકિકત પરથી કેસ સાબીત માનવામાં સેશન્સ અદાલતે ભૂલ કરેલ છે જેથી આરેપીની અપીલ મંજૂર કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવા દલીલો કરાયેલ હતી. રાજકોટ સેશન્સ અદાલતે પોતાના ચૂકાદામાં આપેલ તમામ કારણો સચોટ અને કાયદા મુજબના હોય આરોપી સામેનો કેસ સાબીત માની જે આજીવન કેદની સજા આરોપીને કરવામા આવેલ છે તે વ્યાજબી અને ન્યાયિક છે તેમ ઠરાવી આરોપીએ સજા રદ કરવા કરેલ અપીલ નામંજૂર કરી આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખેલ હતી. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૧ ના હાઇકોર્ટના ચુકાદા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ ડાયાભાઇ કોટેચા હત્યા કેસમાં આરોપી શૈલેન્દ્રસિંહ જાડેજાને ફટકારવામાં આવેલ આજીવન કેદની સજા યથાવત રાખી છે.