વડોદરા : શહેર ભાજપાના નવા સંગઠનની રચના સાથે પાલિકા સહિત સમગ્ર શહેર અને સ્વયં પાર્ટી પર પણ પોતાની માલિકીનો ઝંડો ગાડવાની ઘેલછા રાખનારાઓને આજે ભાજપાના શહેર કાર્યાલયનું તાળું જ બદલી નાંખી તેની ચાવી મૂકયાનું કાયમી સ્થળ પણ બદલી નાખતાં અને તે સ્થળ ગુપ્ત રાખતાં સમગ્ર પક્ષ અને કાર્યકરોમાં હડકંપ મચ્યો છે. પોતાનો લોહી-પસીનો એક કરી પક્ષને મજબૂતાઈ આપનાર સામાન્ય કાર્યકરોથી માંડી હવે ઉંમરની સંધ્યાકાળે પહોંચેલા નેતાઓ-કાર્યકરોએ પણ હવે પોતાના જ કાર્યાલયમાં પ્રવેશવા માટે મંદિરની જેમ તેના દ્વાર ખૂલે એની પ્રતિક્ષા કરતાં બહાર ઊભા રહેવું પડે એવા પક્ષ માટે શરમજનક અને સમર્પિતો માટે અપમાનજનક દિવસો આવી ગયા છે. આજે મનુભાઈ ટાવર સ્થિત ભાજપા શહેર કાર્યાલયનું મુખ્ય તાળું જ બદલાઈ ગયું અને તેની ચાવી સર્વત્ર વિજય મેળવવા થનગની રહેલા નેતાના અંગત અને ખાસ વિશ્વાસુ મનાતા ઈસમની ખાનગી કચેરીમાં રાખવાની પ્રથા શરૂ થતાં આ વિવાદે જન્મ લીધો છે.

પાલિકામાં નવા બોર્ડના ગઠન બાદ વડોદરા શહેર ભાજપા સંગઠન અને નવા બોર્ડના હોદ્દેદારો વચ્ચે વિવિધ મુદ્દે મતભેદો જાેવા મળ્યા હતા. સત્તાના સૂત્રો પોતાની પાસે રહે તે માટે થઈ રહેલા પ્રયાસો વચ્ચે મતભેદોના કારણે જ હજુ શિક્ષણ સમિતિમાં સભ્યોની નિમણૂક થઈ શકી નથી અને સભ્યોની નિયુક્તિ માટે શક્તિ પ્રદર્શન અને લોબિંગ શરૂ થયાનું ચર્ચાઈ રહ્યું છે તેવામાં યૂથ ભાજ૫માં સભ્યોની નિમણૂક માટે પણ જૂથબંધી સર્જાઈ હોવાનું કહેવાય છેે. ત્યારે એકાએક સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલયના તાળાં-ચાવી બદલીને વરસોથી જે જગ્યાએ કાર્યાલયની ચાવી મૂકવામાં આવતી હતી તે જગ્યા પણ બદલીને તાજેતરમાં જ નિયુક્ત કરવામાં આવેલા મધ્ય ગુજરાતના સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ સુમિત શાહના ખાનગી કાર્યાલયમાં ચાવી મૂકવામાં આવતાં શહેર ભાજપા મોરચે અનેક તર્કવિતર્કો સર્જાયાં છે. સાથે ભાજપાના કાર્યકરો અને સતત ઓફિસમાં અવરજવર હોય છે તેવા અગ્રણીઓમાં શહેર ભાજપા કાર્યાલયના તાળાં ચાવી એકાએક કેમ બદલવા પડયા? તેની ચર્ચાઓ શરૂ થઈ છે.

કોની ફાઈલોના લાયઝનિંગ માટે ખાનગી વ્યક્તિ રોકાઈ હતી?

સામાન્ય રીતે વિવિધ સરકારી કામો માટે લાયઝનિંગનું કામ કરાતું હોય છે. શહેર ભાજપા કાર્યાલયમાં ખાનગી વ્યક્તિ રોકાયો હતો ત્યારે સંગઠનમાં કયું લાયઝનિંગ કરવાનું હોય છે? કોની ફાઈલોના લાયઝનિંગ માટે ખાનગી વ્યક્તિ રોકાયો હતો? તેને લઈને ભાજપા મોરચે ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજા- રાણા કોણ?

કેટલાક કાર્યકરો આજે ફિલ્મ વિક્ટોરિયા નં.૨૦૩નું રમૂજી ગીત ગાતા હતા કે

નયે તાલે કી ચાવી લેકર ફીરતે મારે મારેે મેં હૂં રાજા... યે હૈ... રાણા... આ રાજા-રાણા કોણ? આ સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે.