વડોદરા, તા. ૫

બિલ્લાબોન્ગ સ્કુલ પોતાને મનફાવે તે ફી ઉઘરાવીને એફઆરસીના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા અંગે ડી.ઈ.ઓ ને ફરિયાદ કરવામાં આવતા ડી.ઈ.ઓ કચેરી દ્વારા સ્કૂલને શો કોઝ નોટિસ પાઠવીને ૨ દિવસમાં જવાબ આપવનું જણાવ્યું હતું. એ વાતને ૨ દિવસ વીતી ગયા હોવાથી આજે વાલીઓ દ્વારા ડી.ઈ.ઓ ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન હવે ફી અંગેની કાર્યવાહી એફઆરસી નક્કી કરશે તેમ જણાવવામાં આવતા વાલીઓએ વીલા મોઢે પરત ફરવું પડ્‌યું હતું. જોકે, ડી.ઈ.ઓ નું આ પ્રકારનું વલણ શાળા સંચાલકોની તરફેણમાં હોવાથી વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. ગત ફેબ્રુઆરી મહિનાથી બિલ્લાબોન્ગ સ્કુલ પોતાને મનફાવે એમ ફી વસુલતી હોવાના આક્ષેપો સાથે વાલીઓ દ્વારા ડી.ઈ.ઓ ને રજૂઆત કરવામાં આવતી હતી. જોકે, ડી.ઈ.ઓ કચેરી તરફથી તપાસ માટે જતા અધિકારીને સ્કૂલમાં કોઈ જવાબ આપવા સક્ષમ વ્યક્તિ જ મળતા ન હોવાથી બે દિવસ અગાઉ સ્કૂલને શો-કાઝ નોટિસ પાઠવવામાં આવી હતી અને ૨ દિવસમાં જવાબ આપવાનું જણાવ્યું હતું. આજે બે દિવસનો સમય પૂરો થતા વાલીઓ દ્વારા ડી.ઈ.ઓ કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. ડી.ઇ.ઓ દ્વારા સ્કુલે નોટિસનો જવાબ આપી દીધો હોવાનું અને ફી અંગેની તપાસ એફઆરસી દ્વારા તેમની આગામી મિટિંગમાં નક્કી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીનાં આ પ્રકારના વલણથી વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્‌યો હતો અને ડી.ઈ.ઓ શાળા સંચાલકોની તરફેણમાં નિર્ણયો આપી રહ્યા હોય તેમ માનીને વિલા મોઢે પરત ફરવું પડ્‌યું હતું.