મહેસાણા,તા.૩૧ 

 વિસનગરમાં સોમવારે વહેલી સવારે થયેલી ચાર લાખની લૂંટમાં મહેસાણા એલસીબીએ ૪ લુટારુઓને રોકડ,મોબાઇલ અને લૂંટમાં ઉપયોગમાં લીધેલ ગાડી મળી કુલ રૂ ૪.૬૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ઝડપાયેલા લુટારૂઓ પૈકી એક ભોગ બનનાર પેઢીના કર્મચારીની સાથે કામ કરતો હોવાનુ અને તેને આપેલી ટીપ્સને આધારે સમગ્ર લૂંટને અંજામ આપ્યો હોવાનુ બહાર આવ્યુ છે.વિસનગર શહેરમાં સોમવારે વહેલી સવારે ગંજબજાર શાકમાર્કેટમાં નોકરીએ જઇ રહેલા મહેતાજી પાસેથી ઇકો ગાડીમાં આવેલા શખ્સોએ રૂ. ૪ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.એસપી ર્ડો પાર્થરાજસિંહે તાત્કાલિક આરોપીઓ શોધી કાઢવા વિવિધ ૩ ટીમો બનાવી હતી.જેમાં એલસીબી પીઆઇ બી.એચ.રાઠોડ,પીએસઆઇ વાય.કે.ઝાલા સહિતના સ્ટાફે હાથ ધરેલી તપાસ અને બાતમીદારોથી માહિતી મળી હતી કે, કેટલાક શખ્શો જીજે.૧૮.બી.એ.૦૨૩૭ નંબરની ઇકોગાડીમાં વિસનગરથી ભાલક જતા રોડ ઉપર આવેલ તળાવ નજીક ઝાડીમાં લૂંટના પૈસાનો ભાગ પાડે છે.જેને આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ૪ શખ્સની ધરપકડ કરી હતી.પોલીસે તેમની પાસેથી રોકડ રૂ ૨.૫૫.૪૨૦અને ગુનામાં ઉપયોગમાં લીધેલી ઇકો મળી કુલ રૂ ૪.૬૩.૪૨૦ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.