દિલ્હી-

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ અંગે શાળાઓના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો પાસેથી સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલે એક ટ્વિટમાં કહ્યું કે, NEP-2020 લાગુ કરવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. તેથી, દેશભરની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યો પાસેથી સૂચનો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં તેમને પૂછ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની પ્રક્રિયાને કેવી રીતે આગળ ધપાવી શકાય.

દેશમાં શાળા અને ઉચ્ચ શિક્ષણમાં વ્યાપક સુધારણા માટે સરકારે ગયા મહિને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી. અગાઉ 1986માં, શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. આ સૂચનોને આધારે, રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કના આધારે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે.સરકારી શાળા શિક્ષણ સચિવ અનિતા કરવલે તમામ રાજ્યોના શિક્ષણપ્રધાન અને શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષકો માટે પ્રક્રિયા સરળ બનાવવા માટે, ક્યૂ એન્ડ એ દ્વારા શાળા શિક્ષણના સંબંધમાં એનઇપીના દરેક વિષય પર પ્રશ્નો પૂછવામાં આવી રહ્યાં છે. પ્રશ્નો એવી રીતે બનાવવામાં આવી રહ્યાં છે કે, શિક્ષકો પોતાને કનેક્ટ કરી શકે. દરેક પ્રશ્ન NEP ફકરાઓનો સંદર્ભ આપે છે, જેથી તેઓ તેમના સૂચનો અપલોડ કરતા પહેલા તેને વધુ સારી રીતે સમજી શકે.એનસીઇઆરટીના નિષ્ણાતોની ટીમ તમામ સૂચનો પર ધ્યાન આપશે. સૂચનો મર્યાદિત શબ્દોના બંધારણમાં માંગવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફોર્મેટમાં ઉપયોગી સૂચન સામેલ કરવા માટે જો જરૂરી હોય તો શિક્ષકનો ખાનગીમાં સંપર્ક કરવામાં આવશે.