વડોદરા ,તા.૧૫  

કોરોના કટોકટીના સમયમાં સરકારી સયાજી હોસ્પિટલની ખરેખરી સારવાર નિષ્ઠા અને લોક આરોગ્ય માટેની પ્રતિબદ્ધતા પૂર બહાર નિખરી છે. આ હોસ્પિટલની કોરોના સારવાર સાફલ્ય ગાથાઓમાં ૧૮ મી સપ્ટેમ્બરે વધુ એક ઉજ્જળ પ્રકરણ ત્યારે ઉમેરાયું હતું જ્યારે અહીંના કોરોના પોઝિટિવ સગર્ભાઓ માટેના વિશેષ કોરોના મેટરનિટી યુનિટમાં કોરોના સગર્ભા માતા શિલ્પાબેનની શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવી અને માતાએ જોડિયા સંતાનોને જન્મ આપ્યો.

એક તો આ માતા છેક છેલ્લી ઘડીએ કોરોના સંક્રમિત જણાયા, બીજું તેમના ગર્ભમાં જોડિયા બાળકો હતા અને ત્રીજું ૧૧ વર્ષના લાંબા ગાળા પછી તેમણે ગર્ભ ધારણ કર્યો હતો, ચોથું તેમની ઉંમર પણ સલામત અને સામાન્ય પ્રસુતિની ઉંમર કરતાં વધુ હતી અને પાંચમું તેઓ અને પરિવારને બધું હેમખેમ પાર ઉતરે એનો તણાવ હતો. આમ, શિલ્પાબેનની સુવાવડ કરાવવા આડે ઘણાં પડકારો હતા, સયાજીના રૂક્ષ્મણી ચૈનાનીના પ્રસૂતિ ગૃહના કોરોના યુનિટમાં કાર્યરત તબીબો અને નર્સિંગ સ્ટાફની કુશળતાની કસોટી હતી. આ તમામ પડકારોને સફળતાપૂર્વક ઝીલી લઈ, પોતાના જ્ઞાન અને ઈશ્વરની સહાયમાં વિશ્વાસ રાખી આ સરકારી સેટ અપના કર્મયોગીઓએ શિલ્પાબેનને શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસૂતિ કરાવી એ ઘટનાને એક મહિનાનો સમય પૂરો થવા આડે હવે ત્રણ દિવસ બાકી છે. જોડિયા દીકરા અને માતા સ્વસ્થ અને તંદુરસ્ત છે તો પિતા નવનીતભાઈ તલાટી અને તેમનો આખો પરિવાર ખુશખુશાલ છે.