મુંબઇ,તા.૧૩

બોમ્બે હાઈકોર્ટે એક પુરૂષ દ્વારા પોતાના અનૌરસ બાળકની કસ્ટડીના દાવાને ફગાવી દીધો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે આવા કેસમાં માતા જ બાળકના વાલીપણાના હક ધરાવે છે. જેસ્ટસ એસસી ગુપ્તેએ જણાવ્યું હતું કે જયારે અનૌરસ બાળકની વાત આવે છે ત્યારે હિંદુ કાયદા પ્રમાણે માતા જ તેની સ્વાભાવિક વાલી હોય છે અને જા તે વિશ્વનો ત્યાગ કરે કે પછી પોતાનો હક જતો કરે તો જ અપવાદ રહે છે. પરંતુ અહીં આ બંનેમાંથી કોઈ વાત લાગુ પડતી નથી, તેથી પિતા બાળકની કસ્ટડી કે વાલીપણા માટે હકદાર નથી. ૨૦૧૯ મા પૂણે ફેમિલી કોર્ટે માતાને અકીલા બાળકની કસ્ટડી સોંપી હતી કે જે ન્યૂઝીલેન્ડની નાગરિક છે. બાદમાં પિતાએ આ ચૂકાદાને પડકાર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે માતા અસ્વસ્થ છે અને તેથી તે બાળકની કસ્ટડી માટે કે પછી બાળકને વિદેશ લઈ જવા માટે યોગ્ય નથી. હાઈકોર્ટે પિતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતનું નિરિક્ષણ કર્યા બાદ કહ્યુ હતું કે, તેમણે માતા માનસિક રીતે અસ્વસ્થ હોવાની કે પછી પોતાના બાળકની સંભાળ લેવા માટે સક્ષમ નથી તેવા કોઈ પૂરાવા રજૂ કર્યા નથી. મેન્ટલ હેલ્થકેર એકટ મુજબ આવા પૂરાવા જરૂરી હોય છે. આ કેસમાં અન્ય કોઈ તબીબી મત કે સ્વાસ્થ્યને લગતી માહિતી રજૂ કરાઈ નથી. હાઈકોર્ટે માતા અને બાળકને ન્યૂઝીલેન્ડ જવાની મંજૂરી આપી છે. તેમના વકીલ આદિત્ય પ્રતાપે જણાવ્યું છે કે હાલમાં કોરોનાના કારણે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ બંધ છે પરંતુ તેઓ વર્ચ્યુઅલી ન્યૂઝીલેન્ડ જવા માટે મુકત છે. હાઈકોર્ટે પિતાના વકીલ અભિષેક પુંગલિયાની અરજીને ફગાવી દીધી હતી.