વડોદરા : ૨૫-૨૫ વર્ષ સુધી વડોદરાના નાગિરકોએ ચૂકવેલા ૧૫ હજાર કરોડ રૃપિયાથી વધુ વેરાની લૂંટફાટ ચલાવી અને સ્માર્ટ સિટીનું ગાજર લટકાવી પોતાના ખિસ્સા ભરી ચૂકેલા ભાજપાના શાશકોનું પેટ હજુ ભરાયું નથી અને તેથી પોતાના માનીતાને ‘મેયરપદ’ જેવું મહત્વનું પદ તાસકમાં ધરવા માટે મેયરની અનામત બેઠકને જનરલ બેઠકમાં ફેરવી નાંખવાનું જાહેરનામું બહાર પાડતા રાજકીય ક્ષેત્રે આજે મોડી સાંજે ઉત્તેજના ફેલાવી છે. અત્યાર સુધી અનામત બેઠક માટેના આ હોદ્દા માટે આકાશપાતાળ એક કરી શિડ્યુલ ટ્રાઇબના જે ઉમેદવારો ટિકિટો મેળવી લાવ્યા તેમના મોંઢા સુધી આવેલો કોળિયો ભાજપાએ આજે ઝૂંટવી લેતા રોષના વાદળો પણ ઘેરાયા છે.

જે અંગેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અઢી વર્ષના સમયગાળાને માટે સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતનાર મેયરપદે બિરાજમાન થશે. જયારે બાકીની અઢી વર્ષની મુદ્દતને માટે મહિલા મેયર રહેશે એવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને અત્યારથી જ પૂર્વ શાસક પક્ષમાં ચૂંટણીના પરિણામો પહેલાથી જ સત્તા પર આવી ગયા છે.એમ માનીને પ્રથમ અને દ્વિતીય તબક્કામાં કોણ જીતીને આવ્યા પછીથી મેયરપદે બેસશે એને લગતી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. નવા મેયરપદે એકી સંખ્યાના વોર્ડના ઉમેદવારના નામો અગ્રણી હરોળમાં લેવાઈ રહ્યા છે. જેઓ પક્ષમાં કે પાલિકામાં ઉચ્ચ હોદ્દાએ પર રહી ચુક્યા છે. હવે એમાં કાયા જૂથનું વર્ચસ્વ કામ કરી જાય છે.એના પર મદાર હોવાનું પણ પક્ષના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ આ બધામાં ગમે તે મેયર બને પરંતુ બિલ્ડર લોબીનો હાથ ઉપર રહેશે એવી પણ વાત થઇ રહી છે.એ જાેતા મેયરપદની પ્રથમ તબક્કાની સામાન્ય બેઠકને માટે નામ નક્કી કરવાનું પક્ષને માટે પણ અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે. વડોદરા ઉપરાંત અન્ય પાંચ મહાનગર પાલિકાઓને માટે પણ આજ પ્રમાણે મેયરપદ માટે પ્રથમ અને બીજા તબક્કામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે નવા આદેશ અનુસાર હવે વર્ષ ૨૦૨૧ની મહાનગર પાલિકાઓની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કાને માટે અઢી વર્ષના ગાળાનું મેયરપદ નક્કી કરવામાં આવ્યું છે. એ મુજબ અમદાવાદમાં શેડ્યુલ કાસ્ટ, સુરતમાં મહિલા, વડોદરામાં સામાન્ય, રાજકોટમાં બેકવર્ડ ક્લાસ, ભાવનગરમાં મહિલા અને જામનગરમાં મહિલા ઉમેદવાર અઢીવર્ષના સમયગાળા માટે મેયરપદ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે બીજા અંતિમ તબક્કામાં અઢી વર્ષના મેયરપદને માટે જે આદેશ કરવામાં આવ્યા છે. એ મુજબ અમદાવાદમાં મહિલા, સુરતમાં સામાન્ય, વડોદરામાં મહિલા, રાજકોટમાં મહિલા, ભાવનગરમાં બેકવર્ડ ક્લાસ અને જામનગરમાં શિડ્યુલ કાસ્ટનો જીતેલ કાઉન્સિલર મેયરપદ હાંસલ કરશે. એવો આદેશ કરવામાં આવ્યો છે. આમ વડોદરા મહાનગર પાલિકામાં મેયરપદમા પ્રથમ તબક્કામાં સામાન્ય બેઠકના ઉમેદવારને મેયરપદ પ્રાપ્ત થશે એવા ફેરફારને લઈને પૂર્વ શાસક પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા આવા દાવેદારોમાં ખુશીની લહેર વ્યાપચઈ ગઈ છે. તેમજ કેટલાકે તો ચૂંટણી જીતતા પહેલા જ પોતાના રાજકીય ગુરુઓનો આભાર વ્યક્ત કરીને દાવેદારીને માટે આડકતરી રીતે આશીર્વાદ મેળવી લીધાનું પક્ષના આંતરિક સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.