વડોદરા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૪ વિવિધ તળાવો પૈકી ૮ તળાવો મત્સ્યોદ્યોગ માટે વાર્ષિક ઈજારાથી આપી આવક ઊભી કરવામાં આવશે. પાંચ વર્ષ માટે આ તળાવો ઈજારાથી આપવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

વડોદરા પાલિકા દ્વારા શહેરના ૧૪ તળાવો પૈકી ૧૨ તળાવો મત્સ્યોદ્યોગ માટે ફાળવી આવક ઊભી કરવાના નિર્ણય સાથે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯૦ ઈજારદારો ટેન્ડરના ફોર્મ લઈ ગયા હતા અને ૪૦ ઈજારદારે રસ દાખવીને ટેન્ડર ભર્યા હતા. લક્ષ્મીપુરા અને છાણી ગામના તળાવને બાદ કરતાં ૧૨ તળાવો પૈકી હરણી ગામ, મોટાનાથ મહાદેવ, સમા ગામ, મહાદેવ, દંતેશ્વર, કપુરાઈ, સિંધુસાગર, બાપોદ, સરદાર સ્કૂલ, કમલાનગર, ગોત્રી ગામ અને ગોરવા ગામના તળાવો પાંચ વર્ષ માટે ઈજારાથી આપવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

જાે કે, આ ૧૨ તળાવો પૈકી ૮ તળાવો માટે ઈજારો ભરનારે મંજૂર કરેલ ઓફર મુજબની ર૦ ટકા સિકયુરિટી ડિપોઝિટની રકમ ભરપાઈ કરી છે. બાકીના ચાર તળાવો મોટનાથ, મહાદેવ તળાવ, કપુરાઈ અને ગોત્રી ગામના તળાવના ઈજારા અંગે ર૦ ટકા સિકયુરિટી ડિપોઝિટ ભરવા માટે અવારનવાર જાણ કરવા છતાં ભરપાઈ કરાઈ ન હતી. આમ, આઠ તળાવો પ્રથમ પાંચ વર્ષ માટે મત્સ્યોદ્યોગ માટે ઈજારાથી આપવા અંગેની દરખાસ્ત પર સ્થાયી સમિતિની શુક્રવારે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. તળાવોમાં મત્સ્યોદ્યોગને લઈ પાલિકાને આવક સાથે પાણી પણ સ્વચ્છ રહેશે.