વડોદરા : સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં ઘરજમાઈ પતિ તેમજ પુત્રી સાથે પિતાના મકાનના ત્રીજા માળે રહેતી યુવાન પરિણીતા અને તેની પુત્રીનું ગત રાત્રે ભેદી સંજાેગોમાં સામુહિક મોત નિપજતા ચકચાર જાગી છે. પરિણીતાના ગળાના ભાગે ઈજાના નિશાન હોઈ આ બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે સમા પોલીસે તપાસ શરૂ કરી તેના પતિની પુછપરછ શરૂ કરી છે.

મુળ ગોધરાના વતની તેજસ અંતરસિંહ પટેલ (બારિયા)નું સાતેક વર્ષ અગાઉ શહેરના ન્યુસમારોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતી શોભના બારિયા સાથે જ્ઞાતીના રિતરિવાજાે મુજબ લગ્ન થયું હતું અને લગ્નબાદ દંપતી ગોધરા ખાતે રહેતું હતું. જાેકે ત્યારબાદ તેજસની નોકરી બરાબર ન હોઈ તેના સાળાએ વડોદરાના સેન્ટ્રલ મોલ ખાતે એક શોરૂમમાં તેને નોકરી અપાવતા તેજસ અને તેની પત્ની શોભના વડોદરા આવ્યા હતા અને તેઓ શોભનાના પિતાના ત્રણ મજલી મકાનના ત્રીજા માળે રહેતા હતા. આ જ મકાનમાં શોભનાના પિતા તેમજ બે પરિણીત ભાઈઓ અલગ-અલગ માળ પર રહે છે.

અત્રે શ્વસુરગૃહે ઘરજમાઈ તરીકે રહેતા તેજસ અને શોભનાના દામ્પત્યજીવનમાં છ વર્ષ અગાઉ એક પુત્રી કાવ્યાનો જન્મ થયો હતો. ગઈ કાલે રાત્રે આશરે સાડા અગિયાવારે કાવ્યા તેની મામી સાથે ઘર પાસે સોસાયટીમાં ગરબા રમીને પરત આવ્યા બાદ પિતા સાથે મોબાઈલ ફોનમાં ગેમ રમ્યા બાદ પરિવાર સુઈ ગયું હતું. દરમિયાન રાત્રે બે વાગે તેજસે પથારીમાં ચત્તી સુઈ રહેલી પુત્રી કાવ્યાનું પડખુ ફેરવ્યું હતું પરંતું તેણે કોઈ પ્રતિક્રિયા નહી આપતા તેણે પત્ની શોભનાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતું શોભનાએ પણ કોઈ જ પ્રતિક્રિયા નહી આપતા તેજસે તુરંત નીચેના માળે રહેતા સાળા અને સસરાને જાણ કરી હતી જેના પગલે તેઓએ પ્રાથમિક તપાસ કર્યા બાદ માતા-પુત્રી બંનેને બેભાનવસ્થામાં ન્યુસમારોડની ગોપીનાથજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જયાં માતા-પુત્રી બંને મૃત અવસ્થામાં હોવાની જાણ થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

આ બનાવની સમા પોલીસને જાણ કરાતા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. આ બનાવની પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટે તપાસ શરૂ કરી હતી જેમાં શોભનાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન હોઈ આ બનાવ હત્યાનો છે તેવી પણ વાત વહેતી થઈ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આજે માતા-પુત્રીનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતુ. જાેકે આ બંનેના મોતનું સાચુ કારણ મળ્યું નહોંતું પરંતું તેઓના શરીરમાં ઝેર હોવાની પ્રાથમિક વિગતો મળતા બંનેના વિસેરા મેળવી તે તપાસ માટે એફએસએલમાં મોકલાયા હતા.

બીજીતરફ યુવાન પરિણીતા અને તેની માસુમ પુત્રીના સામુહિક મોતના બનાવમાં પતિ તેજસની ભુમિકા શંકાસ્પદ જણાતા પોલીસે તેની અટકાયત કરી કડકાઈથી પુછપરછ શરૂ કરી છે. જાેકે તેણે હું મારી પત્ની અને પુત્રીને શા માટે મારી નાખું ? તેવું રટણ ચાલુ રાખ્યું હોવાની વિગતો સાંપડી છે. આ બનાવમાં પોસ્ટમોર્ટમ અને વિસેરાનો રિપોર્ટ આવ્યા બાદ સાચી વિગતો સપાટી પર આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

શોભનાએ તેના કરતાં ઉમરમાં ૬ વર્ષ નાના યુવક સાથે લગ્ન કર્યા હતા

ભેદી સંજાેગોમાં મોત પામેલી ૩૬ વર્ષીય શોભનાએ તેનાથી ઉંમરમાં છ વર્ષ નાના તેજસ સાથે લગ્ન કર્યું હતું. છ વર્ષ મોટી ઉંમરની યુવતી સાથે તેજસે એરેન્જ મેરેજ કર્યા હતા જેથી પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે તેજસને અન્ય કોઈ યુવતી સાથે લગ્નેત્તર સંબંધો તો નથી ને ?. આ બાબતે વધુ વિગતો મેળવવા માટે પોલીસે તેનો મોબાઈલ ફોન કબજે કરી તેના કોલ્સ ડિટેઈલ્સની પણ વિગતો મંગાવી છે.

માતા અને પુત્રીના વતનમાં અંતિમવિધિ ઃ તેજસને ના મોકલાયો

સમગ્ર બનાવમાં હાલમાં તેજસ પર શંકાની સોંય સેવાઈ રહી છે જેના કારણે પોલીસે તેજસની કડકાઈથી પુછપરછ શરૂ કરી છે. આજે પોસ્ટમોર્ટમ બાદ માતા-પુત્રીના મૃતદેહો શોભનાના પરિવારજનોને સોંપાતા તેઓ બંને મૃતદેહોને ગોધરા ખાતે વતનમાં લઈ ગયા હતા. જાેકે તેજસને તેની પત્ની અને પુત્રીની અંતિમવિધિમાં જવાની પોલીસે પરવાનગી નહી આપતા આ કેસમાં પોલીસને તેજસ વિરુધ્ધ કોઈ વિગતો મળી હોવાનું મનાય છે.

ટેરેસની કેબિનમાંથી ઊંદર મારવાની દવાની બોટલ મળી

સમા પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી હતી કે ઘરજમાઈ તરીકે તેજસને પત્ની સાથે અવારનવાર ગૃહક્લેશ થતા હતા. પોલીસે મકાનમાં તપાસ કરતા ટેરેસ કેબિનમાંથી ઝેરી દવાની ખાલી બોટલ મળી હતી. આ બનાવમાં પોલીસને એવી પણ શંકા છે કે ગઈ કાલે રાત્રે દંપતી વચ્ચે કદાચ ઝઘડો થતો તેજસે પત્નીની હત્યા કર્યા બાદ ઘરે પરત ફરેલી પુત્રીને પણ ઝેર પિવડાવી દીધુ હશે અથવા તો ગૃહક્લેશમાં પતિ સાથે સામાન્ય ઝપાઝપી બાદ આવેશમાં આવીને શોભનાએ પુત્રીને ઝેર પિવડાવી પોતે પણ ઝેર પી લીધુ હશે.