રાજપીપળા : સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલ ઓમકારેશ્વર ડેમમાંથી હજુ પણ ૭૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ પાણી ધીરે ધીરે સરોવર બંધમાં આવતા હાલ પાણીની આવક ૫૨,૯૧૧ કયુસેક થઈ રહી છે.નર્મદા બંધની જળ સપાટી હાલમાં ૧૩૭.૮૬ મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.પરંતુ હાલ ૧૩૮ સુધી ભરવાની પરમિશન સરકારે આપી છે ત્યારે ૧૩૮ મીટરે પહોંચવામાં માત્ર ૧૪ સેમી દૂર છે.હાલ તંત્ર દ્વારા ૫૨,૯૧૧ ક્યુસેક પાણીની અવાક સામે રિવરબેડ પાવર હાઉસના ૬ ટર્બાઇન અને ૩ ટર્બાઇન કેનલ હેડ પાવર હાઉસના મળી ૫૨,૨૯૭ ક્યુસેક પાણીની જાવક છે. એટલે અવાક જાવક સરખી થઇ જતા સવારથી નર્મદા બંધાની જળ સપાટી ૧૩૭.૮૬ મીટરે સ્થિર છે.પરંતુ એક દિવસમાં ૧૦ થી ૧૫ સેમીનો વધારો નોંધાતો હોય નર્મદા બંધ મંજૂરી પ્રમાણે ૧૩૮ મીટરે મંગળવારના રોજ પહોંચે એવી શક્યતા હાલ જોવા મળી રહી છે. નર્મદા બંધની સપાટી ધીર ધીરે વધી રહી છે.અને તબક્કા વાર પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.જેનો સીધો ફાયદો ગુજરાતને થવાનો છે.આ સાથે હાલ નર્મદા ડેમમાં ૫૭૫૦ સ્ઝ્રસ્ (મ્યુલીયન ક્યુબિક મીટર) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.ઉપરવાસમાંથી એક વાર વધુ ફ્લડ આવવાનું હોય નર્મદા બંધ તંત્ર દ્વારા હાલ સપાટી પર વોચ રાખી છે.ત્યારે આ ફ્લડ ક્યારે આવે છે અને જો આવે ત્યારે પુનઃ દરવાજા ખુલશે એવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે.