ન્યુ દિલ્હી

ઘણા રાજ્યોમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે ગૃહ મંત્રાલયે એપ્રિલ મહિના માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ ગાઇડલાઇનમાં મુખ્યરૂપથી ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર કામ કરવા ભાર મુકવામાં આવ્યો છે. સાથે રસીકરણ અભિયાન પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. જે રાજ્યોમાં આરટી-પીસીઆર ટેસ્ટના આંકડા ઓછા છે તેને વધારવામાં આવે અને ૭૦ ટકા સુધી તેમાં વધારો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી અમલમાં રહેશે.

જ્યારે નવા કોરોનાના કેસ સામે આવે તો તેની સમય પર સારવાર અને તેના પર નજર રાખવામાં આવે. કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવે. કન્ટેઈન્મેન્ટ ઝોનની જાણકારી જિલ્લા કલેક્ટર વેબસાઇટ પર અપલોડ કરે અને આ લિસ્ટને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે શેર કરે.

માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરાવવા માટે યોગ્ય દંડ ફટકારવાની વાત કહેવામાં આવી છે. આ સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ (બીજા રાજ્યોમાં જવા) ને લઈને પ્રતિબંધો લગાવવામાં ન આવે.

જે રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે રસીકરણ અભિયાનમાં તેજી લાવો. કોરોનાની ચેન તોડવા માટે આ જરૂરી છે.

મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક અને તમિલનાડુમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા કેસમાંથી ૮૧ ટકા કેસ માત્ર આ છ રાજ્યોમાં છે.