આણંદ : આંણદ જિલ્લામાં આખરે ઓલમોસ્ટ નવ મહિના પછી આજથી ફિઝિકલ શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. આજે શાળા શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના વાલી સાથે સંમતિપત્ર લઈને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શાળા પ્રવેશ પહેલાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. વર્ગ ખંડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈ ખુશીનો માહોલ સર્જાયો હતો. આંણદ, વિદ્યાનગર, કરમસદ, ઉમરેઠ, સોજિત્રા, તારાપુર, આંકલાવ, પેટલાદ, બોરસદ સહિતના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતાં. 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓની કારકિર્દી અને ભણતરને મોટી અસર થઈ છે. ઓનલાઈન શિક્ષણમાં પડતી અગવડો અને સમજી નહીં શકાતાં પ્રશ્નોનું નિરાકરણ અને વિસ્તૃત સમજૂતી રજૂ કરવી શિક્ષકો માટે ખૂબ અઘરું કાર્ય હતું. સામે વિદ્યાર્થીઓને પણ ઓનલાઇન શિક્ષણમાં અનેક મુસ્કેલીઓ નડતી હતી. દરમિયાન કોરોનાની તીવ્રતા ઘટી અને વેક્સિનેશન પોગ્રામના દિવસો પણ નક્કી થઈ જતાં રાજ્ય સરકારે હાયર સેકન્ડરી સ્કૂલો ખોલવાનો ર્નિણય કર્યો હતો. ૧૧ જાન્યુઆરીના રોજથી, એટલે કે, આજથી કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પહેલાં તબક્કામાં સરકારે ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી. એ પછી રાજ્યના તમામ ડીઈઓ-ડીપીઓને એસઓપી પણ મોકલી દેવાઈ હતી. આ એસઓપી અનુસાર તમામ શાળાઓમાં તૈયારીઓ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ, શાળા સંચાલકો અને આચાર્યોએ સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓના તમામ વર્ગખંડને સેનિટાઇઝ કર્યા હતાં. વિદ્યાર્થીઓના હાથ પણ સેનિટાઇઝ કરી થર્મલગનથી ટેમ્પરેચર માપીને ત્યાર બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે વર્ગખંડમાં માત્ર ૧૫ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલ ઓડ ઇવન પદ્ધતિ પ્રમાણે વર્ગો ચલાવવામાં આવશે.

ઓડ-ઈવન પદ્ધતિથી શાળામાં વિદ્યાર્થીઓને બોલાવામાં આવ્યા હોવાથી આજે પ્રથમ દિવસે ઓડ પદ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવામાં આવ્યા હતાં. ત્રણ દિવસ સુધી આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવામાં આવશે અને બાકીના ત્રણ દિવસ ઈવન પદ્ધતિથી બાળકોને શાળામાં બોલાવવામાં આવશે. અઠવાડિયા દરમિયાન ત્રણ-ત્રણ દિવસ વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રૂપમાં ભણાવવામાં આવશે.