વડોદરા, તા.૨૨ 

આગામી કેન્દ્રિય બજેટ બિઝનેસને પુનઃ જીવિત કરનારું હશે તેમ મધ્ય ગુજરાતના ઉદ્યોગપતિઓ માને છે. જ્યારે મોટાભાગના ઉદ્યોગપતિઓ માને છેકે, ઝડપથી અર્થતંત્ર બેઠું થઇ જશે અને આર્થિક વૃધ્ધિ પણ માગ આધારીત થઇ જશે.

કોરોનાકાળમાં જે અર્થતંત્રને ફટકો પડ્યો છે. દેશના વેપાર – ઉદ્યોગને ભારે અસર પડી હતી ત્યારે હવે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદા વધારવામાં આવે તો પણ ખાનગી વપરાશ વધે તથા રોકાણ પણ વધી શકે તેમ છે. માગમાં વૃધ્ધિ જ અર્થતંત્રને ઝડપથી બેઠું કરે તેવી બાબત રહી છે. અર્થતંત્ર ઝડપથી વૃધ્ધિ કરવાની દિશામાં આગળ વધે તો દેશમાં રોજગારીની તકો પણ વધે. બીજી તરફ ખાનગી રોકાણ પણ વધી શકે તેમ છે. સરકારનું લક્ષ્ય પણ દેશમાં રોજગારીની તકો વધે તે દિશાનું રહેવુ જરૃરી છે. ખાસ કરીને કુશળ માનવબળને જ નહિ પણ અર્ધ કુશળ માનવ બળને પણ બળ મળે તે માટેની સરકારની નીતિ હોવી જરૃરી છે. જેના પગલે આવક વધે અને માગ પણ વધી શકે તેમ છે. એવી પણ લાગણી જન્મી છેકે, ૧લી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટના પગલે તેમના ઉદ્યોગ અને અર્થતંત્ર બેઠા થઇ શકશે. લાઇફ સાયન્સીસ, ઓટોમોબાઇલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઊર્જા અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગોમાં તો સંશોધન અને વિકાસ ઉપર ભાર જરૃરી છે. એમએસએમઇને સરકાર તરફથી ધિરાણ માટે જે ટેકો સમયસર મળે તો તેમના મેન્યુફેકચરિંગ એકમો ઝડપથી કોરોનાની અસરમાંથી બહાર આવી જાય. પાયાની સગવડો – ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સરકાર વધુને વધુ ખર્ચ કરે તો પણ તેનો લાભ નાના એકમોને મળી શકે તેમ છે.