અરવલ્લી,તા.૭  

મોડાસા શહેરમાં નગર પાલિકાની પ્રિ–મોન્સુન પ્લાનિંગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પ્રિ-મોન્સુન પ્લાનિંગ અંતર્ગત શહેરમાં ગટર સાફ સફાઈ માટે લાખો રૂપિયાનો દર વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરએ પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ કરેલી નબળી કામગીરી અને ગટરો સાફ કરી કે નહીં તેના પુરાવામાં પ્રથમ વરસાદમાં જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય ચાર રસ્તા પર ગટર બ્લોક થતાં જ વરસાદી પાણી ભરાઈ જતાં રાહદારીઓએ તો હાલાકીઓ ભોગવી પરંતુ વાહનચાલકો પણ અટવાઈ પડ્યા હતા. પાણી ભરાયાની જાણ થતાં ગટર સાફ સફાઈ માટે કોન્ટ્રાક્ટર દોડી આવી કહેવા લાગ્યા કે, હમણાં પાણી ઓસરી જશે,, પણ તમે કામ સારૂ કર્યું હોત તો પાણી ભરાઈ ન જતું ભાઈ. લાખો રૂપિયાનો સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ આવી જ રીતે વરસાદના પ્રથમ વરસાદમાં ગટરમાં વહી ગયા છે, પણ પાલિકાના સત્તાધિશો કે પાલિકા તંત્રને આનો કોઈ જ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી ડીપ વિસ્તારમાં શૌચાલય નજીક પાઈપ-લાઈનમાં ભંગાણ છે. જે રોજે-રોજ પાણીનો વય થાય છે. આજે ગટર ઉભરાતા પીવાનું અને ગટરનું ગંદુ પાણી ભેગું થયું એટલું જ નહીં આ બધુ પાણી નીલકંઠ સોસાયટીના દરવાજા બહાર જ ભરાઈ ગયું હતું. જેને લઇને સોસાયટીના રહીશોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. નીલકંઠ સોસાયટીમાં પહેલા પાણી ભરાવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી,પણ હવે ગટર વ્યવસ્થા થયા પછી સોસાયટીના નાકે પાણી ભરાઇ જાય છે, તેનો પાલિકા પાસે કોઈ જ જવાબ ન હોય તેવું લાગી રહ્યું છે. હાલ વરસાદી માહોલ છે.બ્લોક નાખવાની કામગીરી ડિપ વિસ્તારમાં આડેધડ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે.શહેરીજનો મહામહેનતે કમાણી કરીને ટેક્સ ભરે છે. જેનાથી પાલિકા આડેધડ આંખો બંધ કરીને કોન્ટ્રાક્ટરોને મલાઈ આપી દે છે, અને હાલાકીઓ તો શહેરીજનોને જ ભોગવવી પડે છે. પાલિકાએ મૌન સેવી દીધું છે. કોન્ટ્રાક્ટરો આડેધડ કામ કરી દે છે.અધિકારીઓ સહી કરીને નાણાં ચુકવી દેવાય છે.