વડોદરા

વડોદરા શહેરમાં આવેલ મુસ્લિમ ટ્રસ્ટોની પાંચ હોસ્પિટલોમાં તેમજ મંગળવારના રોજ પ્રારંભ થનાર નવી અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલમાં બેડની સંખ્યા ૬૦૦થી વધારીને ૧પ૦૦ કરવા માટે નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલ, મેયર કેયુર રોકડિયા, ઓએસડી વિનોદ રાવ અને ધારાસભ્યો જિતેન્દ્ર સુખડિયા અને સીમાબેન મોહિલે વગેરે સાથે ટ્રસ્ટીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં હાલમાં પાણીગેટ મુસ્લિમ મેડિકલ સેન્ટર, આજવા રોડ સુલેમાની ચાલ, આયુર્વેદ પાસે હાર્મોની હોસ્પિટલ, જહાંગીરપુરા અને તાંદલજાની ખાદીલ હોસ્પિટલ ઉપરાંત મંગળવારે ખૂલનાર દારુલ ઉલુમની તાંદલજા ખાતેની ર૦૦ બેડની હોસ્પિટલના વહીવટકર્તાઓને હાજર રાખીને ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જેમાં આ તમામ હોસ્પિટલોની હાલની સંખ્યા ૬૦૦ થી વધારીને ૧પ૦૦ કરવા માટે ચર્ચાવિચારણા કરાઈ હતી. આ ઉપરાંત ડભોઈ, પાદરા, સાવલી, કરજણ ખાતે પણ લઘુમતીઓના ટ્રસ્ટો દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવે એ બાબતની પણ ચર્ચાવિચારણા થઈ હતી જેમાં નર્મદા રાજ્ય મંત્રી યોગેશે પટેલે સરકારની તમામ પ્રકારની પરવાનગીઓ તરત જ આપવાની બાંહેધરી આપી હતી. આ હોસ્પિટલો મુસ્લિમ બિરાદરોની જકાત અને વ્યાજની આવક પર ચાલી રહી છે. જ્યાં ઓક્સિજનવાળા દર્દી પાસેથી પ્રતિદિન ર૦૦૦ અને વેન્ટિલેટરના દર્દી પાસેથી પ્રતિદિન માત્ર પ૦૦૦ લેવાય છે, જ્યારે આર્થિક નબળા દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા અપાય છે.

આ હોસ્પિટલોમાં નોંધપાત્ર પ્રમાણમાં બેડ, વેન્ટિલેટર, બાયોપેક સહિતની સુવિધા ઉપરાંત પૂરતા પ્રમાણમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ છે ત્યારે એનો લાભ લેવા માટે યોજાયેલી મિટિંગમાં મુસ્લિમ સમાજમાંથી ડો. મહંમદ હુસેન, મુફતી ઈમરાન, ઐયુબ મૌલવી, ઝુબેર ગોપલાણી, મુફતી હારીફ, ડો. ઈસ્માઈલ, ડો. આરીફ ઈસરાની, કાસમ ઉનિયા અને પૂર્વ કાઉન્સિલર ફરીદ કટપીસવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ તંત્રને તમામ રીતે સહયોગ આપવા ખાતરી આપી હતી.આ મિટિંગમાં પાણીગેટની ૧૭૦, સુલેમાની ચાલની ૭૫, આયુર્વેદની ૭૦, જહાંગીરપુરાની પ૦ અને તાંદલજાની રપ બેડની હોસ્પિટલોમાં બેડ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત તાંદલજામાં દારુલ ઉલુમ દ્વારા મંગળવારથી શરૂ થનાર નવી ૧૮૫ બેડની હોસ્પિટલમાં બેડની સુવિધા વધારીને ૬૦૦ બેડ કરવા માટે ચર્ચા કરાઈ હતી. જેમાં મંત્રીએ આ હોસ્પિટલોને સરકારની પરવાનગી ઉપરાંત ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા વધારવા માટે અમલદારો સાથે રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.

કોરોનાની મિટિંગમાં વધુ એકવાર સંગઠનની ધરાર બાદબાકી કરાઈ

વડોદરા. નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલી મુસ્લિમ ટ્રસ્ટો હસ્તકની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે બેડની સંખ્યા વધારવા માટે યોજાયેલી મિટિંગમાં વધુ એકવાર ભાજપા સંગઠનની કરાયેલી બાદબાકી ચર્ચાનો વિષય બન્યો છે. આ મિટિંગમાં નર્મદા રાજ્યમંત્રી સાથે મેયર કેયુર રોકડિયા, ઓએસડી ડો. વિનોદ રાવ, ધારાસભ્યો જિતેન્દ્ર સુખડિયા અને સીમાબેન મોહિલે તથા ડો.શીતલ મિસ્ત્રીને ઉપસ્થિત રખાયા હતા. જ્યારે સંગઠનની ધરાર કરાયેલી બાદબાકી સ્થાનિક અગ્રણીઓના ધ્યાને આવતાં એ બાબત પક્ષમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.