અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ છતાં યુવા વર્ગની બેદરકારી તેમના વૃદ્ધ પરિવારજનોને ભારે પડી રહી છે. પરિણામે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર હાલતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં જ રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ પશ્ચિમ અમદાવાદમાં ૨૮ જેટલી જગ્યાઓ પર રાતના ૧૦ વાગ્યા બાદ ખાણી-પીણીની દુકાનો બંધ કરવાનો આકરો ર્નિણય લીધો હતો. જેથી મોડી રાત સુધી બહાર બેસી રહેતા યુવાવર્ગના લોકોની સંખ્યા ઘટે. મ્યુનિ.ના સૂત્રો મુજબ

છેલ્લા એક મહિનાતી કોરોનાની અસર વધી છે અને તેની અસર હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંખ્યા અને હાલત ઉપર જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો જનરલ વોર્ડમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૬૨૮ છે જ્યારે એચયુડીમાં સારવાર લેતા દર્દીની સંખ્યા ૫૧૭, વેન્ટીલેટર વગર આઈસીયુમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૨૩૮ અને વેન્ટીલેટરની જરૂર હોય તેવા દર્દીઓની સંખ્યા ૧૨૮ નોંધાઈ છે. તે જોતા ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સંખ્યા ૮૦૦થી વધુ હોવાનું મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યું હતું. એએમસીના સૂત્રો મુજબ, સિવિલ હોસ્પિટલ, સિવિલ સંકુલની હોસ્પિટલો, સોલા સિવિલ તથા એસવીપી વગેરે હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની હાલત વધુ ગંભીર છે. પરંતુ ચોક્કસ કારણોસર તેમની સંખ્યા જાહેર કરવામાં આવતી નથી. જોકે શહેરમાં મહામારીને રોકવા માટે દુકાનો તથા બજારો બંધ કરવાની કાર્યવાહીના બે-ત્રણ દિવસમાં જ નવા કેસ આવવાની સંખ્યા ઓછી થઈ હોય તેમ મ્યુનિ.ના સૂત્રોએ દાવો કર્યો હતો.