મુંબઈ-

દેશમાં વધતા જતા સંક્રમણનો ભાર હવે ભિન્ન સેવાઓ પર પણ પડવા લાગ્યો છે.  રેલવે તંત્રએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કર્યું છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોવિડ 19ના વધતા કેસ જોતા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જે લોકોએ તેજસ ટ્રેન માટે ટિકિટ બુક કરાવી છે, તેમને કેન્સલ કરી દેવાઈ છે. તેની સૂચના મુસાફરોને આપી દેવાઈ છે અને તેમના પૈસા પણ પાછા આપવામાં આવશે. ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદ ભારતીય રેલવેએ તમામ ટ્રેનોને રદ કરવામાં આવી હતી અને તેજસ ટ્રેન ઓક્ટોબર સુધી બંધ રહી. ઓક્ટોબરમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓછા યાત્રીઓના કારણે તેને નવેમ્બરમાં બંધ કરી દેવાઈ અને ત્યારબાદ તેને આ વર્ષે 14 ફેબ્રુઆરીએ શરૂ કરાઈ હતી.