દિલ્હી-

યુટ્યુબ પર વીડિયો વાયરલ થયા બાદ દિલહીના રાતોરાત પ્રખ્યાત થનાર ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. કાંતા પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાંક લોકોએ તેમની દુકાનને સળગાવાની કોશિષ કરી. તેમના વકીલ પ્રેમ જાેશીએ કહ્યું કે તેમને તેની પાછળ ગૌરવ વાસન હોવાની શંકા છે. આપને જણાવી દઇએ કે ગૌરવ વાસને બાબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, ત્યારબાદથી તેમની દુકાન પર લોકોની ભીડ એકત્રિત થતી હતી.

સતત મળી રહેલ જાનથી મારી નાંખવાની ધમકીઓથી પરેશાન થઇ પ્રસાદે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે કેટલાંક ઝેરીલા લોકો તેમના પર હુમલો કરી રહ્યા છે કારણ કે તેઓ રાતોરાત ફેમસ થઇ ગયા હતા. પ્રસાદે કહ્યું કે તેમની કોઇની સાથે દુશ્મની નથી. તો તેમના વકીલ પ્રેમ જાેશી એ ગૌરવ વાસન પર ધમકી આપવાનો આરોપ મૂકયો છે. જાે કે બાદમાં તેમણે પોતાના આરોપોને પાછા લઇ લીધા.

વાસને કહ્યું કે પ્રસાદને કેટલાંક લોકો ગુમરાહ કરી રહ્યા છે. પોલીસે હવે આ કેસમાં સાચી માહિતી સામે લાવવી જાેઇએ. આની પહેલા દિલ્હી પોલીસે કાંતા પ્રસાદની ફરિયાદ પર વાસનની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. પ્રસાદે પોલીસને કહ્યું હતું કે વાસને તેમના નામથી ડોનેશન એકત્ર કરીને લાખો રૂપિયાની કમાણી કરી છેતરપિંડી કરી છે. પ્રાથમિક તપાસ કરતાં માલવીય નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૪૨૦ની અંતર્ગત વાસનની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.