નવી દિલ્હી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમર ગુલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તે આગળ પોતાનું કરિયર કોચિંગમાં બનાવવા ઈચ્છે છે. ઉમર ગુલે પાકિસ્તાન માટે 47 ટેસ્ટ, 130 વનડે અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટી20 વિશ્વકપ 2009મા પાકિસ્તાનને જીત મળી હતી અને તેમાં ગુલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બોલર તરીકે નેશનલ ટી20 કપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે.  

નેશનલ ટી20 કપનું આયોજન મુલ્તાન અને રાવલપિંડીમાં 30 સપ્ટેમ્બરથી રમાશે અને તેનું સમાપન 18 ઓક્ટોબરે થશે. આ ટૂર્નામેન્ટમાં ઉમર ગુલ બલૂચિસ્તાન ફર્સ્ટ ઇલેવન તરફથી રમશે. તે ટીમમાં ખેલાડીની સાથે-સાથે મેન્ટરની પણ ભૂમિકા ભજવશે. ઉમર ગુલે પોતાના પ્રોફેશનલ કરિયરને આગળ વધારવા માટે નિવૃતીનો નિર્ણય લીધો છે.

ઉમર ગુલે 2003થી લઈને 2016 સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું અને આ દરમિયાન તેણે કુલ 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ બાદ ઉમર ગુલ પાકિસ્તાન ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી રહ્યો હતો. તેણે આઈપીએલની પ્રથમ સીઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રમ્યો હતો. 2009મા પાકિસ્તાની ટી20 વિશ્વકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યા બાદ તે દુનિયાભરમાં ક્રિકેટ લીગનો ભાગ બન્યો હતો.