દેવગઢબારિયા : એક તરફ દાહોદ ના વહીવટીતંત્ર દ્વારા વિકાસના મસ મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુવાલીયા ગામના ચોરા ફળિયાના એક હજાર ઉપરાંત લોકો રસ્તાના અભાવે પાણીના વહેણમાં જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. સરકાર વિકાસના અનેક દાવા કરી રહી છે અને તે વિકાસને બતાવવા માટે છાપામાં લાખો રૂપિયાની જાહેરાત આપે છે. ગામડે-ગામડે રસ્તાઓ તેમજ કોઝવે બનાવ્યા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.  

દાહોદના મુવાલીયા ખાતે ચોરા ફળિયામાં ૨૦૦ ઉપરાંત ઘરો આવેલા છે અને ફળિયું એક હજાર વસ્તી ધરાવે છે. પંરતુ આ ફળિયામાં વર્ષો થી આજદિન સુધી સરકાર દ્વારા રસ્તો જ બનાવવાંમાં આવ્યો નથી જેના કારણે મુવાલીયા ગામના ચોરા ફળિયાના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોરા ફળિયાના લોકોની મુશ્કેલીઓની તંત્રને ખબર નહિ હોય તે માનવામાં આવતું નથી ? રસ્તાના અભાવે ચોમાસાની સીઝનમાં વરસાદના કારણે ચોરા ફળિયામાં રહેતા રહીશોને પાણીના ઢીંચણ સમા વહેણમાં થઈ જોખમી રીતે પસાર થવું પડે છે. આ સમસ્યા વર્ષો જૂની છે. આ રસ્તાના મામલે ચોરા ફળિયાના રહીશો દ્વારા ગામના સરપંચને, તાલુકા સભ્યને, જિલ્લા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ધારાસભ્યને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા આવી છતાં તે તમામ જવાબદારો હા બની જસે, તેમ કહી વાયદા કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આ રજૂઆતો આજની નથી આ રજૂઆતો છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી કરવામાં આવી રહી છે.