વડોદરા, તા.૬

રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જંત્રીના બમણા કરાયેલા દરોના અમલના નિર્ણય સહિત વિવિધ મુદ્‌ે ક્રેડાઈ ગુજરાતના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં વડોદરા ક્રેડાઈના પ્રિતેશ શાહ અને મયંક પટેલે પણ ઉપસ્થિત રહીને વિવિધ મુદ્‌ે રજૂઆત કરી હતી. જાે કે, રાજ્ય સરકારે કરેલા જંત્રીના બમણા ભાવથી શહેરીજનોના માથે રજિસ્ટ્રેશન, સ્ટેમ્પ ડયૂટી તેમજ રજાચિઠ્ઠી મળીને રૂા.૧૦૦૦ કરોડનો વાર્ષિક બોજ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે શનિવારે જંત્રીના દર બે ગણા કરવાની જાહેરાત કરતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે હડકંપ મચી ગયો છે. આજે ક્રેડાઈ ગુજરાતના હેમંત પટેલ, ક્રેડાઈ વડોદરાન પ્રિતેશ શાહ, મયંક પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના ક્રેડાઈના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નવી જંત્રીના દરોનો અમલ તાત્કાલિક નહીં, પરંતુ ત્રણ મહિના પાછો ઠેલીને ગુજરાત સ્થાપનાદિન તા.૧લી મેથી અમલ કરવા સહિત વિવિધ મુદ્‌ે રજૂઆત કરી હતી.

જાે કે, જંત્રીના ભાવ બે ગણા કરાતાં મકાનો વધુ મોંઘા થશે અને સામાન્ય વર્ગને મકાન ખરીદવું હવે વધુ મુશ્કેલ બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. જાે કે, જંત્રીના બે ગણા ભાવ થવાથી વડોદરાના લોકો પર વાર્ષિક રૂા.૧૦૦૦ કરોડનો બોજાે પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. જેમાં મળતી વિગતો મુજબ રજિસ્ટ્રેશન પેટે રૂા.૧૦૦ કરોડ, સ્ટેમ્પ ડયૂટી પેટે રૂા.૬૦૦ કરોડ અને વડોદરા કોર્પોરેશનની બાંધકામ પરવાનગી પેટે વધારાના રૂા.૩૦૦ કરોડનો બોજ પડશે, જેની મકાન ખરીદનાર પર સીધી અસર પડશે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ યોજના પર પણ તેની અસર થશે તેમ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલાઓનું કહેવું છે.

જંત્રીના દરમાં વધારાથી દસ્તાવેજ નોંધણીની સંખ્યા પર બ્રેક હજી કેટલીક વિસંગતતાના કારણે સ્ટાફ પણ ગૂંચવાયો

જંત્રીના દરો બમણા કારાયા બાદ આજે પ્રથમ દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજાે નોંધણી કરાવવા આવનાર અરજદારોની સંખ્યા સામાન્ય કરતાં ઓછી જાેવા મળી હતી. જંત્રીના દર ડબલ કરાતાં લોકો હાલ દસ્તાવેજ કરવાનું ટાળી રહ્યાનું જાણવા મળે છે. જાે કે, જેમણે અગાઉથી ટોકન લીધો હોય અને સ્ટેમ્પ ખરીદ કર્યા હોય તેવા કેટલાકના દસ્તાવેજાેની નોંધણી થઈ હતી. જંત્રીના દરમાં વધારા બાદ કર્મચારીઓ અને અધિકારીઓ પણ કેટલીક વિસંગતતાને લઈને હજી પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે, તેમજ કયા પ્રકારના દસ્તાવેજની નોંધણી કરવી અને નહીં કરવી તે અંગે વિગતવાર સૂચનાની રાહ જાેઈ રહ્યા છે. જાે કે, આજે શહેર-જિલ્લાની ૧૩ રજિસ્ટ્રાર કચેરીમાં ૪૧૭ જેટલા દસ્તાવેજાેની નોંધણી થઈ હતી. જેમાં સર્વાધિક ૭૯ દસ્તાવેજાે અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હોવાનું તેમજ આજે કુલ નોંધાયેલા દસ્તાવેજાે પૈકી ૩૦ ટકા દસ્તાવેજ નવી જંત્રી મુજબ બાકીના જૂની જંત્રી મુજબના થયા હોવાનું જાણવા મળે છે.