વડોદરા : શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવનારને સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના સમયમાં જ દિલ્હીથી ઝડપી પાડયો છે. પોલીસ તંત્રને પડકાર ફેંકનાર આ હેકરને પોલીસની ટીમે ઝડપી પાડી વડોદરા લાવવા માટે દિલ્હીથી રવાના થઈ ચૂકી છે. અત્રે આવ્યા બાદ એની પૂછપરછ કરી સત્તાવાર ધરપકડ કરવામાં આવશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે.

ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે ઠગાઈ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે એક નામાંકિત લોકોના ફેંક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવાના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ત્યાર બાદ શહેર પોલીસ કમિશનરની ફેંક ફેસબુક પ્રોફાઈલ બનાવી અનેક લોકો પાસેથી રૂપિયાની માગણી કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જાે કે, શહેર પોલીસ કમિશનર સમશેરસિંગની ફેંક ફેસબુક પ્રોફાઈલ બનાવનારની સાયબર ક્રાઈમે દિલ્હીથી દબોચી લીધો છે.

ગત તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે એકાએક અનેક લોકોને શહેર પોલીસ કમિશનર ડો.સમશેરસિંગના નામ અને ફોટાવાળી પ્રોફાઈલની ફ્રેનડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરનાર કેટલાક લોકો પાસેથી રૂપિયાની પણ માગણી કરવામાં આવી હતી. દરમિયાન આ બાબત શહેર પોલીસ કમિશનર અને સાયબર ક્રાઈમના ધ્યાને આવી હતી. જેથી આ ફેસબુક પ્રોફાઈલ ફેંક હોવાથી એક્સેપ્ટ ન કરવી તેવી જાહેર સૂચના ખુદ પોલીસ કમિશનરે પોતાના ઓરિજિનલ ફેસબુક વોલ પર કરી હતી.

તાજેતરમાં જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ પ્રોફાઈલ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનો કિસ્સો સામે આવતાં આ મામલે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. સાયબર ક્રાઈમની ટીમે ફોન પે જેવી બેન્ક ખાતાની વિગતો દ્વારા હરિયાણાથી બે શખ્સોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગના ફોટો અને નામનો ઉપયોગ કરી સાયબર માફિયાઓ દ્વારા ફેંક ફેસબુક પ્રોફાઈલ બનાવી ઉપરોકત મોડ્‌સ ઓપરેનડી વાપરવામાં આવી હતી.

જાે કે આ મામલાની પોલીસ વિભાગ અને સાયબર ક્રાઈમે ગંભીર નોંધ લેતાં ફેંક પ્રોફાઈલ બનાવનારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેવામાં સાયબર ક્રાઈમની ટીમ દિલ્હી પહોંચી હતી, જ્યાં ટેકનિકનલ સર્વેલન્સના માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને સાયબર ક્રાઈમે દબોચી લીધો હતો. જાે કે, આ શખ્સની પોલીસે તપાસ કરતાં તેના મોબાઈલ ફોનમાંથી શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંગનો ફોટો મળી આવ્યો હતો જેથી પૂરતી ખાતરી કરતાં પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ હાથ ધરી છે.

-----------

‘’