વડોદરા

દહેજભુખ્યા પતિ અને સાસરીયાઓના શારિરીક ત્રાસ તેમજ પરિણીતાના પરિવારના સભ્યોને બદનામ કરવાના આક્ષેપો સાથેની અરજી સંદર્ભે પોલીસ મથકે નિવેદન આપવા આવી પી.એસ.આઇ સાથે અણછાજતુ વર્તન કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપનાર શખ્સની જે.પી. પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે.પી. રોડ પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી સર્વેલન્સ કોર્ડના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પી.એસ.આઇ એસ.એસ.જસવાણી પાસે તાજેતરમાં અંકિતા ચૌહાણ નામની મહિલાની તેના પતિ અભિષેક મિશ્રા તથા સાસુ, સસરા વિરૂદ્ધ દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ તેમજ મારઝુડની સાથે સાથે તેના પરિવારના સભ્યોને ઇમેઇલ મોકલી બદનામ કરવાના આક્ષેપો સાથેની અરજી આવી હતી. જે અરજી સંદર્ભે તપાસ કરતા પી.એસ.આઇ જસવાણીએ નિવેદન લેવા અભિષેક મિશ્રા અને તેના માતા-પિતાને પોલીસ મથકે બોલાવ્યા હતાં. ગત તા.૧૦-૦૫-૨૦૨૧ના રોજ પોલીસ મથકે આવેલા અભિષેક મિશ્રાએ તેમના વિરૂદ્ધની અરજી વાંચ્યા બાદ પોલીસને કોઇ નિવેદન અને સહકાર આપી જતા રહ્યા હતાં. તેમના માતા પિતાને નિવેદન આપવા માટે ગત તા.૨૧-૦૪-૨૦૨૧ના રોજ લેખીતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ અભિષેક મિશ્રાએ ફોન કરીને તેઓના કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને માતા પિતાને હોમ કોરાંટાઇન કરેલા છે. જે અંગેનો આર.ટી.પી.સી.આર રીપોર્ટની પોલીસે માગણી કરતા અભિષેક મિશ્રાએ રજૂ કર્યા ન હતાં.

દરમિયાનમાં ગઇકાલે અભિષેક મિશ્રા તથા તેમના પિતા અશોક મિશ્રા પોલીસ મથકે આવ્યા હતાં. અને મારા પિતાનું નિવેદન ત્વરીત લઇ લો જેથી પોલીસે તેમનું નિવેદન લીધા બાદ તેમના પિતા સહિ કરીને જતા રહ્યા હતાં. જ્યારે આ અરજીના સંદર્ભે અભિષેક મિશ્રાની પુછપરછ કરતા તેને પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરીને નિવેદન નહીં આપું અને ઉશ્કેરાઇને ઉભા થઇ ટેબલ પર હાથ પછાડી ઉચા અવાજે અભિષેક મિશ્રાએ જણાવેલ કે અગાઉ પણ ઘણા પોલીસવાળાની બદલી અને સસ્પેન્ડ કરાવ્યા છે. તમારા વિરૂદ્ધમાં અરજીઓ કરીને બદલી અને સસ્પેન્ડ કરાવી દઇશ. હવે હું તમને બતાવું છુ કે હું કોણ છુ? હું તમને જાેઇ લઇશ તેવી ગર્ભીત ધમકી આપી હતુ જે અંગે પીએસઆઇ જસાણીએ પોલીસ મથકે અભિષેક મિશ્રા (રહે. ૮૦ પ્રીન્સ વીલા, ગોત્રી સેવાસી રોડ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જે.પી. પોલીસે અભિષેક મિશ્રાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.