વડોદરા : ખાનગી અને જાહેર ક્ષેત્રો સહિતની અનેક નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી રૂા.૧૭,૫૦૦ કરોડ જેવી જંગી રકમનું ફુલેકું ફેરવનાર અને મનીલોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના કુખ્યાત ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓ, દિપ્તી સાંડેસરા અને સાંડેસરાના સાળા હિતેશ પટેલને આજે દિલ્હીની પટિયાલા હાઈકોર્ટે સત્તાવાર ‘ભાગેડુ’ જાહેર કર્યાના સમાચાર સાંપડયા છે. આ સાથે આવી રીતે સત્તાવાર રીતે ભાગેડુ જાહેર થયેલા નીરવ મોદી અને વિજય માલ્યા બાદ ત્રીજા ક્રમે સાંડેસરા બંધુ એન્ડ કંપનીનું નામ આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) વિભાગે કરેલી અરજી અંગેના ચુકાદામાં અદાલતે આ ચાર નાણાકીય ગેરરીતિના અપરાધીઓને ‘ભાગેડુ’ જાહેર કરતાં જ હવે ઈડી આ કુટુંબની વિશ્વભરમાં આવેલી કોઈપણ મિલકતોને ટાંચમાં લેવા માટે અધિકારપાત્ર બની છે. 

એક સમયે વડોદરાની પ્રતિષ્ઠિત અને દેશભરમાં જાણીતી સ્ટર્લિંગ બાયોટેક કંપનીના સંચાલકો નીતિન જયંતીલાલ સાંડેસરા, તેમના બંધુ ચેતન જયંતીલાલ સાંડેસરા, પત્ની દિપ્તી સાંડેસરા અને સાળા હિતેશકુમાર નરેન્દ્રભાઈ પટેલ લગભગ ૨૦૧૭થી ફરાર છે. તેમનું છેલ્લું લોકેશન નાઈજિરિયા હોવાનું તપાસ એજન્સીઓને માલૂમ થયું હતું.

સીબીઆઈ અને ઈડી એવી બંને સંસ્થાઓ દ્વારા અગાઉ આ તમામ આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ સત્તાવાર ફરિયાદો દાખલ થઈ હતી. પ્રારંભમાં માત્ર ૮૧૦૦ કરોડના મનાતા તેમના કૌભાંડ અંગેની તપાસ દરમિયાન અનેક બેન્કો સાથે થયેલા ફ્રોડ પણ સપાટી પર આવતાં સાંડેસરા બંધુઓનું આ કૌભાંડ લગભગ રૂા.૧૭,૫૦૦ કરોડ જેવી જંગી રકમને આંબી ગયું હતું.

અત્યંત વૈભવી જીવન જીવનાર અને બોલિવૂડ સ્ટાર્સ સાથે ઘરોબો ધરાવનાર સાંડેસરા બંધુઓ એક સમયે મોટાપાયે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યો કરવા માટે મસમોટું નામ કમાયા હતા, પરંતુ જ્યારે એમના ચહેરા પરથી મહોંરું ઊતરી ગયું ત્યારે લોકોને જાણ થઈ હતી કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને કરોડોનો ચૂનો ચોપડી સાંડેસરા બંધુઓ તાગડધિન્ના કરતા હતા.

સ્ટર્લિંગ બાયોટેક કંપનીએ તેના માલિક સાંડેસરા બંધુઓ વતી દેશના ટોચના રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત અનેક મોટા માથાઓને જંગી નાણાં આપ્યા હોવાનું દર્શાવતી એક ડાયરી જપ્ત થયા બાદ દેશના ઉદ્યોગક્ષેત્રે અને રાજકીયક્ષેત્રે ભારે ઊહાપોહ સર્જાયો હતો. એક તબક્કે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતા અહેમદ પટેલ અને તેમના કુટુંબીજનને બોલાવી તપાસ એજન્સીએ આકરી પૂછપરછ પણ કરી હતી. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી અદૃશ્ય થઈ ગયેલા સાંડેસરા બંધુઓ, ચેતન સાંડેસરાની પત્ની દિપ્તી અને સાળા હિતેશ પટેલને આજે ઈડીની માગણી ગ્રાહ્ય રાખી દિલ્હીની અદાલતે સત્તાવાર રીતે ભાગેડુ જાહેર કરતાં હવે તપાસ એજન્સીઓને તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો થયો હોવાનું જાણકારો માની રહ્યા છે.