દાહોદ, દાહોદમાં કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂની દહેશત ફેલાવા પામી છે. તેવા સમયે પરમ દિવસે દાહોદમાં ચાર પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા તેઓનું પી.એમ કરી મોકલવામાં આવેલ સેમ્પલનો રિપોર્ટ હજી આવ્યો નથી. ત્યાં તો દાહોદમાં અંબિકા નગર ખાતેથી એક કબૂતર મૃત હાલતમાં મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આજરોજ દાહોદના અંબિકા નગર વિસ્તારમાં એક કબૂતર મૃત હાલતમાં પડેલું જાેવા મળ્યું હતું. જેની જાણ જાગૃત નાગરિક દ્વારા દાહોદના નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમના સદસ્યને ટેલિફોન દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તાબડતોબ અંબિકા નગર ખાતે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા કબૂતરનું મૃત્યુ બર્ડફલુની આશંકાને લઈને કબૂતરને સાવચેતીથી પકડી દાહોદના પશુ દવાખાનામાં લાવવામાં આવ્યું હતું. હાલ તો નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર જયેશ પંચાલને ફોન કરી સંપૂર્ણ ઘટનાની વિગતો આપવામાં આવી હતી.