વડોદરા : ફતેગંજ પોલીસ મથકમાં મોતને ઘાટ ઉતારાયા હોવાનું મનાતા બાબુશેખના મૃતદેહને શોધવા આજે સી.આઇ.ડી. ક્રાઇમે વડોદરા છાણી કેનાલ ખાતે ધામા નાંખ્યા હતાં. કેનાલના પાણીનો પ્રવાહ રોકી મૃતદેહ શોધવાની આ પ્રકારની રાજ્યમાં કદાચ પ્રથમ ઘટના હશે. વહીવટી તંત્રના જુદાજુદા વિભાગના ૧૦૦ ઉપરાંત કર્મચારીઓ અને અધિકારીઓ આ કવાયતમાં જાેડાયા હતાં. એ દરમિયાન મળેલા એક હાડપીંજરને તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતું. 

હાઇકોર્ટના કડક વલણને જાેતા સી.આઇ.ડી. ક્રાઇમ પણ હવે એકાએક સફાળી જાગી છે અને શેખબાબુના મૃતદેહને શોધવા માટે ફતેગંજ પોલીસ મથક પાસે જ આવેલી કેનાલમાં એનો નિકાલ કરાયો હોઇશકે એવી શક્યતાને આધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી એ અગાઉ પાલિકાને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. અને ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. એ ઉપરાંત નડીયાદ એસ.આર.પી.ગ્રુપ ૭ અને સ્થાનીક પોલીસ પણ આ તપાસમાં જાેડાઇ હતી.

મંગળવારે વહેલી સવારથી જ સીઆઇડી ક્રાઇમ, વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ તથા અન્ય એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગોરવા ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલના ગેટ નંબર ૨ પરથી કંકાલના અવશેષો મળી આવ્યા હતાં. ફતેહગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે પોલીસ, વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ તથા એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરો દ્વારા અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી શેખ બાબુની લાશની ભાળ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ગોરવા ગંગાનગર ગેટ નંબર ૨ પાસે પ્રથમ દ્રષ્ટિએ માનવ કંકાલના અવશેષો મળ્યા હોવાનું કેમેરામાં ફલિત થયું હતું. કંકાલના આવશેષો જોવા મળતાની સાથે જ ફાયરના જવાનોએ સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.કંકાલ અવશેષોની જાણ થતાની સાથે સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. કંકાલના અવશેષો માનવાના છે તે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઇ આવે છે. અને મળી આવેલા કંકાલના અવશેષો છાતી અને કરોડરજ્જુ સાથે દેખાવે મળી આવે છે. પરંતુ કંકાલના અવશેષો માનવા (શેખ બાબુ)ના છે કે પછી કોઇ પશુના તે સઘન તપાસનો વિષય હોવાથી કંકાલના અવશેષોને બહાર કાઢી સ્થળ પર જ તેની એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કંકાલની તમામ પ્રકારની ચકાસણી બાદ ફોરેન્સીક રીપોર્ટ બાદ જ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થશે. કેનાલમાં પુરાવાની ચર્ચ કરવા માટે અંડર વોટર સર્ચ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પાણીના અંદરના ભાગમાં કેમેરા દ્વારા સર્ચ કરવામાં આવે છે. અને તેનું મોનીટરીંગ બહાર લાગેલી સ્ક્રીન પર જોઇ શકાય છે. ગંગાનગર પાસે મળેલા કંકાલના અવશેષો મેળવવા માટે અંડર વોટર સર્ચ કેમેરાએ મહત્વની ભુમિકા ભજવી હતી. છાણીથી માંડીને છેક સેવાસી સુધી ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો પ્રવાહ બંધ થયા બાદ નીચે બેસી ગયેલા કડદામાં મોડી સાંજ સુધી શોધખોળ જારી રાખી હતી. જેને લઇ કેનાલની આસપાસ રહેતા રહીશોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતાં.

કેનાલમાં ઘાસ, ગંદકીના ઢગલાં !

વડોદરાના છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સીઆઈવી ક્રાઈમે ફાયર બ્રિગેડની મદદથી હાથ ધરેલ શોધખોળમાં કેનાલમાં ઠેર ઠેર ઉગી નીકળેલ ઘાસ તેમજ ગંદકીના ઢગલા જાેવા મળ્યા હતા. પાણી બંધ કરીને હાથ ધરવામાં આવેલ શોધખોળને પગલે કેનાલમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જાેવા મળ્યા હતા. ત્યારે સમયાંતરે કેનાલમાં સાફ સફાઈ થવી જાેઈએ તેમ અનેક લોકોએ જણાવ્યું હતું. ગંદકી અને કચરાના ઢગલાને પગલે શોધખોળમાં મુશ્કેલી પડી હતી.

સર્ચ કેમેરા સાથે કેનાલમાં શોધખોળ

ફતેગંજ પોલીસ મથકના ચકચારી શેખ બાબુના કસ્ટોડિયલ ડેથના પ્રકણમાં મૃતક શેખ બાબુનો મૃતદેહ શોધવા સીઆઈડી ક્રાઈમે વડોદરા ફાયર બ્રિગેડની મદદથી છાણીથી સેવાસી રોડ સુધી લગભગ ૩ થી ૩.૫ કિ.મી. સુધી શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ બોડ, લાઈફ જેકેટ ઉપરાંત અન્ડર વોટર કેમેરા, સર્ચ કેમેરા સહિત આધુનિક સાધનો સાથે કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી.

અઠવાડિયા બાદ ફરી શોધખોળ હાથ ધરાશે

છાણી કેનાલમાંથી મળેલું હાડપીંજર પશુનું હોવાનું બહાર આવતાં સી.આઇ.ડી. ક્રાઇમના એસ.પી. પંડ્યાએ આખી કવાયત આવતા અઠવાડીએ ફરીથી શરૂ કરવાનું જણાવી આ અંગે સબંધીત વિભાગ અને વડોદરા મહાનગર પાલિકાને જાણ કરવામાં આવશે એમ

જણાવ્યું છે.

કેનાલ ખાલી કરાતા અનેક વિસ્તારોમાં પાણી નહીં મળ્યું

ફતેગંજ પોલીસ મથકમાં બાબુ શેખના કસ્ટોડિયલ ડેથ મામલે ભારે વિવાદ થયા બાદ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે સીઆઇડી કરાઈમ દ્વારા બાબુ શેખની લાશને કેનાલમાંથી શોધવાને માટે આખેઆખી કેનાલ ખાલી કરાવવામાં આવી હતી. જેના કારણે શહેરની પાણીની છ ટાકીના વિસ્તારના રહીશો પાણી પુરવઠાથી વંચિત રહયા હતા. જેમાં હરિનગર, તાંદલજા, ગાયત્રી નગર, નવી વાસણા, માંજલપુર અને મકરપુરા જીઆઇડીસીનો સમાવેશ થાય છે.

મોડી સાંજ સુધી શોધખોળના અંતે કોઈ સફળતા ન મળી

આજે દિવસ ભર કેનાલમાં મૃતદેહ શોધવાની મહેનત મોડી સાંજે માથે પડી હતી. હાડપીંજર મળ્યા બાદ સી.આઇ.ડી.ને એક તબક્કે મોટી સફળતાની આશા જાગી હતી પરંતુ મોડી સાંજે હાડપીંજર પશુનું હોવાનો એફ.એસ.એલ.નો રીપોર્ટ આવ્યો હોવાનું સી.આઇ.ડી. ક્રાઇમ એસ.પી. ગીરીશ પંડ્યાએ જણાવ્યું હતું.