વડોદરા : બહુચર્ચિત પારુલ યુનિવર્સિટીના વધુ એક બળાત્કાર પ્રકરણમાં પોલીસની બદઈરાદાપૂર્વકની બેદરકારી ઉપરાંત યુનિ. સંચાલકો દ્વારા મામલો દબાવી દેવાના હિનપ્રયાસો પણ કરાયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં મહિલાઓની જાતીય સતામણી અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું રીતસરનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મહિલા પ્રોફેસર સાથે યુનિ. કેમ્પસમાં પણ બળાત્કાર વારંવાર ગુજારાયો હોવાની ગંભીર પ્રકારની લેખિત ફરિયાદ છતાં ખાસ કારણોસર વાઘોડિયા પોલીસે ખુદ ઢાંકપીછોડો કરવામાં લાગી છે. 

અત્યંત સ્ફોટક માહિતી એવી છે કે અરજી મળ્યા બાદ પોતે કોઈ પગલાં નહીં લે તો આ ગંભીર બાબતમાં બેદરકાર રહેવા બદલ નોકરી જશે એ બીકે પોલીસે માત્ર દેખાવ ખાતર મહિલાની અરજી બાદ વાઘોડિયા પોલીસે પારુલ યુનિ. ખાતે કામના સ્થળે મહિલા કર્મચારીઓની જાતીય સતામણીની બનેલી કમિટીના સભ્યોના નિવેદનો લીધા હતા. એટલું જ નહીં, ખુદ આરોપી ડો. નવજ્યોત ત્રિવેદીનું પણ નિવેદન લીધું હતું અને તેને જવા દીધો હતો. આ ઘટનાને આટલો લાંબો સમય વિતી ગયા બાદ પણ એફઆઈઆર નોંધાવવાની કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.

એવી જ રીતે મહિલાએ પારુલ યુનિ.ની આ સમિતિ પાસે પોલીસ મથકે જતાં અગાઉ પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણી જેમાં સિલસિલાબદ્ધ થયેલા બળાત્કાર અને માનસિક હેરાનગતિની વિગતો જણાવી હતી. જેમાં તપાસ સમિતિને તથ્ય જણાયું હતું અને મેનેજમેન્ટને આખી ઘટનાથી વાકેફ કરાતાં જ આખા મામલામાં પારુલ યુનિ. પુનઃ બળાત્કારના મામલામાં બદનામ થશે એમ વિચારી સંચાલકોએ મામલો વધુ ઉગ્ર બને એ પહેલાં જ આરોપી પ્રિન્સિપાલ નવજ્યોત ત્રિવેદી અને ભોગ બનેલી મહિલાને છૂટા કરી દીધા હતા.

ખરેખર તો નિયમ પ્રમાણે આંતરિક સમિતિને આરોપમાં તથ્ય જણાય કે તરત જ સમિતિએ પોલીસ ફરિયાદ કરવાનું કાયદામાં સ્પષ્ટપણે જણાવ્યું હોવા છતાં પારુલ યુનિ.ના સંચાલકોના ઈશારે સમિતિએ આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. આમ એ આંતરિક સમિતિની કાર્યવાહી પણ આખા મામલામાં શંકાસ્પદ રહી હોવાનું લાગી રહ્યું છે.

બીજી તરફ કેમ્પસમાં તથા કેમ્પસ બહાર પણ વારંવાર બળાત્કાર ગુજારનાર પ્રિન્સિપાલ ત્રિવેદીએ પણ મહિલા પોલીસ ફરિયાદ કરે એ પહેલાં જ મેનેજમેન્ટના ઈશારે વાઘોડિયા પોલીસ મથકે પોતે જ મહિલા સામે અરજી કભરી દીધી હતી પરંતુ એ અરજીમાં સામેપક્ષે મહિલાનું નિવેદન લેવાય તો ખુદ પ્રિન્સિપાલ ફસાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થતાં વાઘોડિયા પોલીસે જ પ્રિન્સિપાલને અરજી પાછી ખેંચી લેવાની સલાહ આપતાં એ અરજી પાછી ખેંચાઈ હતી અને તેની પાસે મારે પારુલ યુનિ.ના મેનેજમેન્ટ કે અન્ય સ્ટાફ સામે કોઈ ફરિયાદ નથી એવું લખાવી લેવાયું હતું. આવું નિવેદન પોલીસે પારુલ યુનિ.ના સંચાલકોના ઈશારે લખાવી લીધું હોવાનું કહેવાય છે. દરમિયાન તા.૪ સપ્ટેમ્બરે મહિલા પ્રોફેસરને નોકરીમાં છૂટા કરતાં જ એ યુનિ.માંથી નીકળીને સીધી વાઘોડિયા પોલીસ મથકે પહોંચી હતી અને પ્રિન્સિપાલે એની ઉપર વારંવાર ગુજારેલા બળાત્કારની લેખિતમાં ફરિયાદ કરતાં જ વાઘોડિયા પોલીસ અને પારુલ યુનિ.ના સંચાલકોએ મળી આખા મામલાને દબાવી દેવા માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. જાે કે, શોષણનો ભોગ બનેલી મહિલાએ રણચંડીનું રૂપ લીધું છે અને કોઈપણ ભોગે ડો. નવજ્યોત ત્રિવેદી અને તેને છાવરનાર જાતીય શોષણ અંગેની યુનિ.ની આંતરિક સમિતિ તથા ખુદ યુનિ.ના સત્તાધીશો અને જેના નામે યુનિ. ચાલે છે તે સ્વયં પારુલ જયેશભાઈ પટેલ અને તેના કુટુંબી સંચાલકો સામે કાયદાકીય લડત આપવા કમર કસી છે.

ગંભીર પ્રકરણમાં હજુ કોઈ કાર્યવાહી નહીં?

કાયદાના જાણકારોના જણાવ્યા મુજબ મહિલા પ્રોફેસર ઉપર વારંવાર ગુજારાયેલા બળાત્કારના પ્રકરણમાં આરોપીને તો સજા થશે જ, પરંતુ યુનિ.ની આંતરિક સમિતિના સભ્યો અને પોલીસ એમ બંનેના જવાબદાર સત્તાવાળાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મહિલા પ્રોફેસરની ફરિયાદ બાદ આંતરિક સમિતિએ કેમ પોલીસને સીધી જાણ ના કરી? અને ૪થી તારીખે મહિલાની પોલીસને લેખિત ફરિયાદ મળી હતી. તેમ છતાં હજુ સુધી કેમ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આવી ગંભીર બેદરકારીને કારણે એમની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે એમ જાણકારોએ જણાવ્યું છે.