ભાજપાએ વિજયોન્માદમાં સાયકલ કચડી!

વડોદરા, તા.૧૦

ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણીપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના થયેલા ભવ્ય વિજયને વડોદરા શહેર-જિલ્લા ભાજપા દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. ભાજપાના કાર્યકરો દ્વારા બુલડોઝરની નીચે સમાજવાદી પાર્ટીના નિશાન સાઇકલને કચડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની સવાર થી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણીપુરમાં વિજયકૂચ શરૂ કરી દીધી હતી. એકપછી એક રાજ્યોના પરિણામો જાહેર થતાં ભાજપની બહુમતી સાથે બેઠકો આવતા વડોદરા શહેર-જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી હતી. વડોદરા શહેર-જિલ્લા ભાજપ દ્વારા બપોરે કાર્યાલયો ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.ભાજપ કાર્યાલયો ખાતે ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યાકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. તે સાથે ભાજપાના ભવ્ય વિજયની ખુશીમાં કાર્યકરો દ્વારા યુ.પી.માં ભાજપાના હરીફ સમાજવાદી પાર્ટીના નિશાન સાઇકલને કચડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

વિજયોત્સવ મનાવી રહેલા આપના કાર્યકરોની અટકાયત

વડોદરા ,તા.૧૦

પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પંજાબમાં ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરી સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવનાર આમ આદમી પાર્ટીના થયેલા ભવ્ય વિજયને વડોદરા શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને ભારે આતશબાજી કરીને પંજાબમાં થયેલા ભવ્ય વિજયનો વિજયોત્સવ મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના જૂજ કાર્યકરોએ એકબીજાને મિઠાઇ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. જ્યારે સાંજે ગાધીનગર ગૃહ ખાતે પંજાબના વિજયોત્સવ મનાવી રહેલા આમ આદમી પાર્ટીના ૨૦ જેટલા કાર્યકરોની રાવપુરા પોલીસે અટકાયત કરી હતી. જ્યારે સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે ટોળા ભેગા કરીને ઉજવણી કરનાર ભાજપના કોઈની અટકાયત કરાઈ ન હતી.આમ પોલીસની બેવડી ભૂમિકા સામે આવી હતી.