નવી દિલ્હી

કોરોના મહામારીને કાબૂમાં કરવાનો હાલ એકમાત્ર ઉપાય છે કે, વધુમાં વધુ લોકોને વેક્સીન મુકવામાં આવે. પરંતુ મહામારીના આ સમયમાં વેક્સીન પર ધનવાન દેશોએ કબ્જો કરી લીધો છે. જ્યારે ગરીબ દેશોના હાથમાં ખૂબ જ ઓછો વેક્સીનનો જથ્થો આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેસસે વેક્સીનની પહોંચને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે, દુનિયાની 0.3% કોરોના વેક્સીન જ ગરીબ દેશો સુધી પહોંચી શકી છે, જ્યારે ધનવાન દેશો પાસે 82% વેક્સીન છે.

એક કાર્યક્રમમાં ડૉ. ગેબ્રેસસે કહ્યું કે, દુનિયાભરમાં અત્યારસુધીમાં 1 અબજ કરતા પણ વધુ વેક્સીનના ડોઝ છે. તેમાંથી 82% ડોઝ ધનવાન અને અપર મિડલ ઈન્કમ ધરાવતા દેશો પાસે છે. WHO પ્રમુખે કહ્યું કે, ગરીબ દેશો સુધી અત્યારસુધી માત્ર 0.3% ડોઝ જ પહોંચી શક્યા છે. તેમણે કહ્યું કે, આ જ સત્ય છે. મહામારીના દોરમાં વેક્સીન બધા સુધી પહોંચાડવી સૌથી મોટો પડકાર છે. કારણ કે એ જ રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિરતાનો પાયો છે.

બીજી તરફ દુનિયામાં કોરોના સંક્રમણની સ્પીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રિપોર્ટ અનુસાર, અત્યારસુધી દુનિયાભરમાં કોરોનાના 15 કરોડ કરતા વધુ મામલા સામે આવી ચુક્યા છે. જ્યારે 31 લાખ કરતા વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. એવામાં કોરોનાની સ્પીડને અટકાવવા માટે વેક્સીન જ એકમાત્ર હથિયાર છે.

કોરોના વાયરસનો ઈન્ડિયન વેરિયન્ટ દુનિયાના 17 દેશોમાં પહોંચી ચુક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું કે, દુનિયામાં ગત અઠવાડિયે કોરોનાના 57 લાખ મામલા સામે આવ્યા. આ આંકડા પહેલા પિક કરતા ઘણા વધારે છે. ઈન્ડિયન સ્ટ્રેન અથવા B.1.617 વેરિયન્ટ (ડબલ મ્યૂટેશન વેરિયન્ટ)ના કારણે જ ભારતમાં સતત કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે. WHOએ તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (VOI) જાહેર કર્યો છે.

બ્રિટનના હેલ્થ મિનિસ્ટર મેટ હનૂકે બુધવારે સાંજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેમના દેશ પાસે કોવિડ-19 વેક્સીનનો ઓવર સ્ટોક નથી. હનૂકના જણાવ્યા અનુસાર, બ્રિટનની પાસે તેમની જરૂરિયાત પ્રમાણે જ વેક્સીન છે, તેને એક્સેસ સ્ટોક ના કરવી જોઈએ. આ જ કારણ છે કે, અમે ભારતને વેક્સીન નથી આપી શકતા. આ ઉપરાંત, વેન્ટિલેટર્સ અને અન્ય જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ્સ નવી દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે.