વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને માટે તમામે તમામ ૧૯ ઈલેક્શન વોર્ડના ૭૬ ઉમેદવારોની જાહેરાત ભાજપ દ્વારા એકસાથે કરવામાં આવી હતી. આ જાહેરાત થતાની સાથે જ શહેરના મોટાભાગના વોર્ડમાં ભાજપ સામે પક્ષના સક્રિય કાર્યકરોના અન્યાય સામે બગાવતના સુર ઉઠવા પામ્યા છે. આ બગાવતના અને આક્રોશના ફુંકાયેલા પવનની ઝપટે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ અને મહામંત્રી પૂર્વ મેયર સુનિલ સોલંકી ચઢ્યા છે. જેઓ સામે પણ કાર્યકરો દ્વારા નારાજગી વ્યક્ત કરીને ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. શહેર ભાજપના સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે આવેલ મુખ્યાલય પર વિરોધ વ્યક્ત કરવાને માટે પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર એકથી છના અને વોર્ડ નંબર ૧૮ના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત વોર્ડ ત્રણ અને કારેલીબાગમાં પાટીદારોની નોંધપાત્ર વસ્તી હોવા છતાં એકપણ પાટીદારને ટિકિટ આપવામાં આવી નથી.એને લઈને પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ સમગ્ર શહેરમાં ભાજપના પસંદગી પામેલા મોટાભાગના ઉમેદવારો સામે કોઈને કોઈ કારણસર વિરોધના સુર ઉઠવા પામ્યા છે. કેટલાક બીજા ઈલેક્શન વોર્ડના મતદારોને માથે ઠોકી બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક આયાતી ઉમેદવારોને લઈને બળાપો કાઢવામાં આવ્યો છે. પાલિકાના વોર્ડ ૧૮માં આયાતી ઉમેદવારને ટીકીટ આપવામાં આવતા રોષે ભરાયેલા ૯૦ કાર્યકર્તાઓ દ્વારા તત્કાળ રાજીનામા આપવામાં આવ્યા હતા. તેમજ તેઓના સમર્થકો ચાર ઘણા હોઈ આ રાજીનામુ આપનાર અને ભાજપમાંથી છેડો ફાડનારાઓની સંખ્યા ૩૫૦ જેટલી થવા જાય છે. આવી સ્થિતિ શહેરના છ જેટલા ઈલેક્શન વોર્ડમાં સર્જાવા પામી છે. એ જાેતા પાલિકાની ચૂંટણી ટાણે ભાજપમાંથી અંદાજે બે હજાર ઉપરાંત સક્રિય કાર્યકરો ટિકિટની વહેંચણીમાં અન્યાયને લઈને છેડો ફાડે એવી શક્યતાઓ છે. આ બાબતને જાે કે પક્ષ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેમજ ડેમેજ કંટ્રોલ કરવાને માટે મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે આવતીકાલે છઠી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ તેજ બનાવવામાં આવશે એમ પક્ષના આંતરિક આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. જેઓમાં રોષ છે. એ રોષને દાબી દેવાને માટે અને સમજાવવાને માટે પક્ષ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે.એમ સૂત્રોએ ઉમેર્યું હતું. ભાજપ દ્વારા કેટલાક વોર્ડમાં સક્રિય કાર્યકરોનો એકડો જ ભૂંસી નાખીને માલેતુજારો અને બુટલેગરના નજીકના સબંધીઓને તેમજ નેતાઓના સગાઓને ટિકિટો ફાળવવામાં આવતા તેમજ પક્ષે જ ઘડેલા નિયમોનું પક્ષ દ્વારા જ ઉલ્લંઘન કરીને ટિકિટો આપવામાં આવતા આ રોષ વ્યક્ત કરાયો હતો. જે હજુ વધુ ઉગ્ર બને એવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.

વડોદરાના મૂળ વતની ન હોય એવાને ટિકિટોની લહાણીથી શહેરીજનોની લાગણી દુભાઈ

વડોદરા મહાનગર પાલિકાની આગામી ૧૯ ઈલેક્શન વોર્ડની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ૭૬ બેઠકોની યાદીમાં આયાતી અને જેઓ મૂળ વડોદરાના વતની નથી એવા કેટલાયને ટીકીટોની લ્હાણી કરવામાં આવતા વ્યાપક વિરોધના સુર ઉઠવા પામ્યા છે. જેમાં ગુજરાતી અને બિન ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીને લઈને પણ મૂળ વડોદરાવાસીઓ લાગણી દુભાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦૧૫ની ચૂંટણીઓ વચ્ચે પણ આ મુદ્દો ઉઠવા પામ્યો હતો. તેમજ મેયરની વરણી વખતે પણ એની ચર્ચા વડોદરાવાસીઓમાં હોટ ટોક બની હતી.