મહુધા : મહુધાના અલીણા ખાતેના મુખ્ય રસ્તાઓ પરના ૬ દબાણો મહુધા ટીડીઓ દ્વારા દૂર કરાતાં દબાણકર્તાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અલીણા ખાતે છેલ્લાં ઘણાં વર્ષોથી ગ્રામ પંચાયતથી ડેરી સુધીના મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી કબજાે જમાવ્યો હતો, જેનાં પગલે મહુધાનાં ટીડીઓ કાજલ આંબલીયાની સૂચના હેઠળ ૬ દબાણકર્તાઓને ૧૫ દિવસ અગાઉ ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે તોડી પાડવા નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર સ્થળ પર પણ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પંચાયતના સાઉન્ડ સિસ્ટમ દ્વારા વારંવાર ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તેમ છતાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલાં દબાણકર્તાઓએ મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કર્યા ન હતા.  

આખરે મહુધા ટીડીઓ દ્વારા અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતથી ડેરી સુધીના ૬ જેટલાં ગેરકાયદેસર દબાણોને જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.