અમદાવાદ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ સીટી બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છેએમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. વડાપ્રધાને આર્ત્મનિભર ભારત-‘‘મેઇક ઇન ઇન્ડીયા’’નો જે મંત્ર આપ્યો છે તેને દેશ-વિદેશના ઊદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને ૧૦૦ ટકા ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર કૃતસંકલ્પ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ આ નિર્ધાર પૂર્ણ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે તેમ કહ્યું હતું. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરામાં પર્યાવરણ જાળવણીનો પણ ખ્યાલ રાખીને ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું. ૯૨૦ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલ ધોલેરા એસ.આઈ.આર સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવીને ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું છે તેમ ઉમેર્યુ હતું. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સંતુલિત એવા આ વર્લ્‌ડ ક્લાસ, ન્યુ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ડ સીટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. અહિં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે.