અમદાવાદ-

રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. રાજ્યમાં યોજાનારી આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં આગામી ત્રણ નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે. જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયાર શરૂ કરી લીધી છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની આઠ બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.કોરોનાને લીધે આ પેટાચૂંટણીમાં 565 જેટલા વધુ બુથ રાખવામાં આવશે. આઠ બેઠકો માટે કુલ 3024 બુથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કવોર્ડ આઠ બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે.

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ યોજનારા છે.જે 3 નવેમ્બરના રોજ યોજાશે.જેને લઈને આ આઠ બેઠકો માટે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ અંગે કોરોના મહામારીના કારણે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની ઓનલાઈન સેવાઓ પણ ઉભી કરાઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન નોમિનેશનની આ વધારાની સુવિધા www.suvidha.eci.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વેબસાઈટ પરથી જે-તે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. એટલું જ નહીં, ઉમેદવારી પત્રક સાથે એફિડેવિટ પણ ઓનલાઈન ભરી શકશે.  

ફોર્મ ભરવાની આ ઓનલાઈન વ્યવસ્થામાં ઉમેદવારને ત્રણ તારીખના વિકલ્પ આપવામાં આવશે જેમાંથી કોઈપણ એક તારીખે ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટમાં સહી કરી રૂબરૂ રજૂ કરવાની રહેશે. રાજ્યની પેટાચૂંટણીમાં 80 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન તથા દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે ભારતનાં ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. નાગરિકો મત આપવાના અધિકારથી વંચિત રહી ન જાય તેનું ચૂંટણી પંચ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.