અંમદાવાદ-


NHRCL દ્વારા રૂટની ડિઝાઈન, ટ્રાફિક સ્ટડી સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ


નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન હાલમાં અમદાવાદને મુંબઈ સાથે જોડતા હાઈ સ્પીડ બુલેટ રેલ કોરિડોરની કામગીરી કરી રહી છે. રેલવે મંત્રાલયે હવે દેશના અન્ય 6 રૂટ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સોંપી છે. જેમાં અમદાવાદને દિલ્હી સાથે જોડતા અમદાવાદ, ઉદયપુર, જયપુર, દિલ્હીના 886 કિલોમીટર લાંબા દેશના સૌથી મોટા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

એનએચઆરસીએલના ઉચ્ચ અધિકારીએ આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, રેલવેએ દેશના સૌથી વધુ વ્યસ્ત રહેતા 7 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તમામ રૂટ પર 300થી 320 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવાશે. બુલેટ ટ્રેન માટે નક્કી કરાયેલા 7 રૂટમાંથી અમદાવાદ - મુંબઈ રૂટ પર જમીન સંપાદન સહિતની કામગીરી ચાલી રહી છે અને આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ છે.

જ્યારે બાકીના 7 રૂટ પર તબક્કાવાર કામગીરી શરૂ કરાઈ રહી છે. દિલ્હી-વારાણસી રૂટ પર હાલ ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે અમદાવાદ - દિલ્હી રૂટ પર બુલેટ ટ્રેન માટે પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ડેટા કલેક્શનની કામગીરી ઝડપી કરાઈ છે. જેમાં આ રૂટના કોરિડોરની સાથે જ ટ્રાફિક સર્વે, રોડ બ્રિજ, નદી અને કેનાલ પર આવનારા બ્રિજ, સ્ટેશન સહિત ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે. દિલ્હી-નોઈડા-આગરા-લખનઉ-વારાણસી રૂટ પર પણ બુલેટ ટ્રેન દોડાવવાની વિચારણા છે.