અમદાવાદ, નરોડાથી રણાસર જવાના માર્ગે રિંગ રોડ પર રેલવે પાટા પાસે ઓવરબ્રિજ બનાવવાનું કામ છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહ્યું છે. ધીમી ગતિએ ચાલી રહેલા આ કામને લીધે રિંગરોડ પરથી પસાર થતા હજારો વાહનચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે ફાટક વારંવાર બંધ થવાની સ્થિતિમાં અડધા કિ.મી.સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઇ જાય છે. વળી રોડ પણ તૂટેલો, ધુળિયો, ખાડાખૈયાવાળો હોવાથી હેરાનગતિમાં વધારો થાય છે. પૂર્વ અમદાવાદમાંથી પસાર થતો સરદાર પટેલ રિંગ રોડ ભારે વાહનોની અવર-જવરથી ૨૪ કલાક વ્યસ્ત રહે છે. દક્ષિણ ભારત જતા-આવતા તમામ વાહનો અમદાવાદથી આ રિંગ રોડ પરથી પસાર થતા હોય છે. જેના કારણે ટ્રાફિકજામ મોટી સમસ્યા બની રહી છે. ઔડા દ્વારા ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા માટે રિંગ રોડ પર મુખ્ય ચાર રસ્તાઓ પર ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરાયું છે. જે છેલ્લા પાંચેક વર્ષથી ચાલી રહ્યું છે. નરોડા ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો અને વાહનચાલકો માટે ખુલ્લો પણ મુકી દેવાયો છે. પરંતુ રણાસર રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતો ઓવરબ્રિજ હજુ સુધી બની શક્યો નથી.