વડોદરા

સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વધુ એક શર્મનાક વિડીયો સામે આવ્યો છે. સિક્ટુરીટી ગાર્ડે દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડીયો વાયરલ થતાં નગરજનોમાં રોષની લાગણી વ્યાપી છે. સયાજી હોસ્પિટલમાં અસામાજિક તથા માથાભારે તત્વોનો ચલાવવામાં આવતી લાલીયાવાડી સામે હોસ્પિટલના અધિકારીઓ તથા સત્તાધીશો ભેદી મૌન સેવી રહ્યા હોવાનો વધુ એકવાર શર્મનાક કિસ્સો બનવા પામ્યો છે. હોસ્પિટલમાં ચાલતી માથાભારે તત્વોની સરકાર ગંભીર નોંધ લે તેવી નગરજનોમાં લોક માંગ ઉઠી છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં શાસકો માનીતા એવા દિપક નાકરાણીનો કોન્ટ્રાક્ટ કાર્યરત છે. કોન્ટ્ર્‌ાક્ટ હેઠળ સફાઇ કર્મચારીઓ ઉપરાંત સિક્યુરીટી ગાર્ડ પણ ફરજ બજાવે છે. કોનટ્રાક્ટની બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી સયાજી હોસ્પિટલની છબી ખરડાઇ રહી છે. થોડા સમય અગાઉ જ યુનિફોર્મ સજ્જ સિક્યુરિટી ગાર્ડ દારૂના ગુનામા કારેલીબાગ પોલીસના હથ્થે ઝડપાયો હતો. ઉપરાંત એમ્બ્યુલન્સ ચાલકો પણ હોસ્પિટલમાં દારૂ પીતાં ઝડપાયા હતા. તદ્‌ઉપરાંત મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં પાછળના ભાગરૂપે દારૂની હેરા-ફેરી પણ મોટા પ્રમાણમાં થાય છે. આ પ્રવૃત્તિ હોસ્પિટલના કેટલાંક કર્મચારીઓ તથા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં અસામાજિક પ્રવૃત્તિને ડામવા કે તેને અંકુશમાં લેવા કે રાખવા માટે કોઇ પ્રયાસો થયા નથી. આ અંગે રાજ્ય સરકાર વહેલી તકે એક્શન લે તેવી લોક માંગ ઉઠી છે.

હોસ્પિટલના સત્તાધીશોની ઢીલી નિતીના કારણે સિક્યુરીટી ગાર્ડની આડમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. જેનો તાદ્‌શ્ય કરતો વધુ એક સિક્યુરીટી ગાર્ડની દાદાગીરી અને ગુંડાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હોસ્પિટલમાં દર્દીને લઇને પહોંચેલા દર્દીના સંબંધીને સિક્યુરીટી ગાર્ડ દંડા વડે ફટકારતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. એક સંબંધી મહિલા સાથે હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે ઉભો હતો. દરમિયાન કોઇ કારણે બોલાચાલી થતાં સિક્યુરીટીના જવાને કાયદો હાથમાં લઇ યુવાનને દંડા વિંઝીને ફટકારવાનું ચાલુ કર્યું હતું તેની સાથે અન્ય સિક્યુરીટીના જવાનો પણ દોડી આવ્યા હતા. તેઓ પણ યુવકને મારવા તૂટી પડ્યા હતા.