છોટાઉદેપુર : છોટાઉદેપુર નગર પાલિકા ના વોર્ડ નંબર ૬ માંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા અને ગત અઢી વર્ષ બસપા ના પ્રમુખ તરીકે રહેલા નેહાબેન જયસ્વાલ ને સમર્થન આપનાર નસીમબાનુ મુનિરભાઈ મલેકે નારાજ થઇ રાજીનામુ આપી દીધું હતું. ગત અઢી વર્ષ બસપા એ ૫ જેટલા અપક્ષો અને બીટીપી ના ૨ સદસ્યો નો ટેકો લઇ સત્તા ભોગવી હતી. પરંતુ આ અઢી વર્ષ ની સત્તા કબ્જે કરવા માટે બસપા એ કોંગ્રેસ નો સહારો લઇ અપક્ષો ને સત્તા માંથી બહાર રાખ્યા હતા. અને તા. ૨૪ ઓગષ્ટ ના રોજ યોજાયેલી પાલિકા પ્રમુખ ની ચૂંટણીમાં બસપાના પ્રમુખ બિન હરીફ ચૂંટાયા હતા.  

હાલ કોંગ્રેસના આઠ સભ્યોનો ટેકો હોવાથી તેમણે બીટીપી ના ૨ અને એક અપક્ષ સદસ્યને સાથે તો રાખ્યા પરંતુ સત્તાની હિસ્સેદારીમાં કદ મુજબ કાપ્યા હતા. જેથી નારાજ અપક્ષ સદસ્ય નસીમબાનુ મલેકે નગર પાલિકા ના સભ્યપદથી રાજીનામુ આપ્યું હતું.ગત મોદી રાત સુધી ચાલેલા રીસામણા મનામણાં માં કોઈ જ નિકાલ આવ્યો ન હતો. અપક્ષ સદસ્ય તેમના રાજીનામાં બાબતે મક્કમ રહ્યાં હતા. આજરોજ બપોર બાદ તેઓને ફરીથી બોલાવવામાં આવતા નારાજ કોર્પોરેટર પાલિકા સંકુલ માં નહતા ગયા.જો કે તેમના પડખે રહેનારા તેમના ટેકેદારો પાલિકા માં જતા પાલિકા ના સત્તાધીશો દ્વારા રાજીનામુ નામંજૂર કરાયું હોવાનું કહી ફાડી નાખ્યું હોવાનું જણાવાયું હતું. વધુમાં જણાવાયું હતું કે તમને થયેલ મનદુઃખ નો બે દિવસમાં યોગ્ય નિકાલ કરાશે તેમ મૌખિક જણાવી ઘી ના થામ માં ઘી ભેળવી દેવાયું હતું. નગર પાલિકા પ્રમુખ ની અઢી વર્ષ ની ટર્મ હજુ તો ગણતરીના દિવસ જ થયા છે. ત્યાં તો મલાઈદાર સમિતિઓના ર્નિણય ને લઇ ઘણા ખરા સદસ્યો નારાજ થઇ રહ્યા હોવાનું પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.