મુંબઈ-

ઉપભોગ માગમાં વધારો, વિક્રમી નીચા વ્યાજ દર અને ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઈ રહેલો સુધારો કદાચ ભારતની ઈક્વિટીઝ બજારોમાં રેલીને ઈંધણ પૂરું પાડતા હશે, તેમ છતાં આ વધારાની ઝડપી ગતિ ભારતીય અર્થતંત્ર સામે જોખમો વધારી રહી છે. માર્ચ ૨૦૨૦માં વિક્રમી નીચી સપાટીએથી નિફટી ૫૦ ઈન્ડેકસમાં ૧૩૦ ટકાનો વધારો થયા બાદ હાથ ધરાયેલા અભ્યાસમાં શેરબજારની વર્તમાન તેજી જોખમો વધારી રહી હોવાનો નિષ્કર્ષ નીકળ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તથા ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરબજારોમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. ગયા વર્ષના ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકથી આ રેલીએ દેશના જીડીપીમાં દરેક ત્રિમાસિકમાં અંદાજે એક ટકાનો વધારો કરાવ્યો છે. જો કે ઈક્વિટીઝમાં ઝડપી વૃદ્ધિએ બજારમાં કોઈપણ પછડાટ સામે અર્થતંત્રના જોખમમાં વધારો કર્યો છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. નિફટી હાલમાં ૧૨ મહિનાની અંદાજિત આવકના ૨૨.૨૦ ગણા સ્તરે વેપાર થઈ રહ્યો છે, જે તેની પાંચ વર્ષની ૧૮.૫૦ ટકાની સરેરાશ કરતા ઘણો ઊંચો છે. એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટસ ઈન્ડેકસ ૧૨.૭૦ના ગુણાંકમાં વેપાર થઈ રહ્યો છે. તેના ઐતિહાસિક ટ્રેન્ડ સ્તરેથી ૩૫ ટકા ઉપર ટ્રેડ થઈ રહેલો નિફટીમાં કોઈપણ પીછેહઠ તેજ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૧.૪૦ ટકાનો ઘટાડો કરાવશે અને પછીના વર્ષમાં આ ઘટાડો ૩.૮૦ ટકા હશે. સ્ટોકસ જેટલા ઊંચે જાય છે ત્યારે તેના ઘટાડાની સ્થિતિમાં અર્થતંત્ર સામે એટલું જ જોખમ ઊભું થાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વ રાહતો પાછા ખેંચવાના સમયગાળા પર હાલમાં વિચારણા કરી રહ્યું છે, ત્યારે ભારતીય સ્ટોકસમાં કરેકશન વિચારવાની બાબત છે, એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.