વડોદરા : મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સતત સારો વરસાદ થતાં નદી, નાળા અને તળાવોમાં નવું પાણી જોવા મળે છે અને જળ વૈભવ છલકાઈ રહ્યો છે. વિવિધ બંધોના જળાશયોમાં જળ સંગ્રહ વધ્યો છે. દેવ નદી પંચમહાલ જિલ્લાના ચેલાવાડા ડુંગરમાંથી નીકળે છે. આ ડુંગર અને ગામ પવિત્ર આદિવાસી દેવતાનું ધામ છે એટલે આ નદી દેવ નદી તરીકે ઓળખાય છે. 

દેવ નદી ૮૭ કિલોમીટરની લંબાઈ ધરાવે છે જે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના બનેંયા ગામે ઢાઢર નદીમાં વિલીન થઈ જાય છે. આ સિંચાઇ યોજનામાંથી પાણી છોડવામાં આવે ત્યારે હાલોલના ૭, વાઘોડિયાના ૧૯ અને ડભોઇના ૭ મળી કુલ ૩૩ ગામોમાં સાવધાની અને તકેદારી લેવી પડે છે. આ ડેમના પાણી સિંચાઇ માટે હાલોલ અને વાઘોડિયા તાલુકાના ગામોને આપવામાં આવે છે.પાણી પુરવઠો પૂરો પાડવાના હેતુસર પણ તેનો વપરાશ કરવામાં આવે છે.