દેવગઢબારિયા : દાહોદમાં દસ દિવસથી જાજરમાન મહેમાનગતિ માણવા પધારેલા દુંદાળા દેવને વિદાય આપવામાં ગણતરીના બે દિવસ રહ્યા છે અને ઇમામ હુસેનની યાદમાં કાઢવામાં આવતા તાજીયા પણ આજે સાંજે ઠંડા કરવાના છે. પરંતુ બંનેની આ પ્રક્રિયામાં કોરોના વાઇરસ વિલન બનીને ઊભો છે. ત્યારે આ બંનેની વિદાયની પ્રકિયામાં કોરોનાનું ગ્રહણ નડી રહ્યું છે.  

વહીવટી તંત્ર દ્વારા દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન તેમજ તાજીયા ઠંડા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વિસર્જન સ્થળે છાબ તળાવની પાળ પર લોખંડની જાળીની ફેન્સિંગ લગાવી કોર્ડન કરી દેવામાં આવી છે. તાજીયાના દિવસે અને શ્રીજી વિસર્જનના દિવસે તળાવની પાળ ફરતે પોલીસ તૈનાત કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

ચાલુ વર્ષે માર્ચ માસથી જ દાહોદમાં કોરોના સંક્રમણને કારણે તમામ ધર્મોના તમામ તહેવારોની ઉજવણી, ધાર્મિક મેળાઓ, ધાર્મિક તથા સામાજિક મેળાઓ, રેલીઓ, જાહેર સભાઓ, શોભાયાત્રા વગેરે પર સરકાર દ્વારા પાબંદી મુકવામાં આવતા તમામ ધર્મના ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી મોકૂફ રાખી ઘરમાં જ ઉજવાની ફરજ પાડી છે. રથયાત્રા, રામનવમી, જન્માષ્ટમી, સંવત્સરી, રમજાન ઈદ, બકરી ઈદ, તથા મોહરમ તમામની ઉજવણી ઘરમાં જ કરવામાં આવી છે.દર વર્ષે દાહોદમાં શ્રીજીની મૂર્તિ વિસર્જન તથા મહોરમના તાજીયાને ઠંડા કરવાની પ્રક્રિયા દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં કરવામાં આવે છે અને વિસર્જન સ્થેળે મેળા જેવા દ્રશ્યો સર્જાય છે. વિસર્જન પર પાબંદી મૂકવામાં આવી છે.