રાજપીપળા, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કેવડિયા ડિફેન્સની કોન્ફરન્સમાં જણાવ્યું કે આવનાર દિવસોમા સૈન્ય સ્તરમાં જાેખમના સ્વરૂપ બદલાશે તે માટે જાેખમોનો સામનો કરવામાં શસ્ત્ર દળોની ભૂમિકા મહત્વપૂર્ણ છે યુદ્ધના સ્વરૂપમાં પણ અપેક્ષિત પરિવર્તનો આવી રહયા છે.

સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથ સિંહ ગુજરાતમાં કેવડિયા ખાતે હાલ ચાલુ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ૨૦૨૧ માં વિવેચના સત્રો માટે સૈન્ય દળોના કમ્બાઇન્ડ કમાન્ડર્સ સાથે જાેડાયા હતા.ત્યાં તેઓએ ઉદ્‌ઘાટન સંબોધન કરતા દેશની સુરક્ષા અને એના રક્ષણને અસર કરતા વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.તેમણે સૈન્ય સ્તરના જાેખમનાં સંપૂર્ણ સ્વરૂપ, આ જાેખમોનો સામનો કરવામાં સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભવિષ્યમાં યુદ્ધનાં સ્વરૂપમાં અપેક્ષિત પરિવર્તનો વિશે વિગતવાર વાત કરી હતી.

રાજનાથ સિંહે પીએલએ સાથે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા નિઃસ્વાર્થ સાહસની પ્રશંસા કરી હતી અને એને બિરદાવ્યું હતું. સંરક્ષણ મંત્રીની હાજરીમાં દિવસ દરમિયાન બે સત્રો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી, જેમાંથી કેટલીક ચર્ચા બંધબારણે થઈ હતી.આ ચર્ચાઓમાં સશસ્ત્ર દળોના હાલ ચાલુ આધુનિકીકરણનો મુદ્દો સામેલ હતો. તેમાં ખાસ કરીને સંકલિત થિયેટર કમાન્ડ્‌સ ઊભું કરવું અને આધુનિક ટેકનોલોજીને ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોમાં નૈતિક અને પ્રેરણાત્મક અને નવીનતાના જુસ્સાને પ્રોત્સાહન જેવા મુદ્દા પર ઉત્સાહભેર ભાગીદારી જાેવા મળી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કેવડિયા સવારે ૮.૫૦ કલાકે આવશે ડિફેન્સ કોન્ફરન્સમાં સંબોધન કરશે.કેવડિયા ટેન્ટસિટી ૨ ખાતે ડિફેન્સની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ચાલી રહી છે જેમાં શનિવારે સવારે ૮.૫૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને તેઓ કેવડિયા હેલિપેડ ઉતરાણ કર્યા બાદ સીધા કોન્ફરન્સમાં જવા રવાના થશે.કોન્ફરન્સમાં તેઓનું સંબોધન થશે.ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ, દેશની ત્રણેય પાંખના વડા તેમજ કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ૨૦૨૧માં આવેલ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તેઓ લંચ ટેન્ટસિટીમાં લેશે અને ૩.૩૦ કલાકે કેવડિયાથી અમદાવાદ જવા રવાના થશે.