આણંદ : આણંદ પાલિકામાં છેલ્લાં દશકથી વકરેલાં ભ્રષ્ટાચાર તથા અન્ય નીતિના કારણે કેટલાંક નેતાઓના આગામી પાલિકા જંગમાં ઉમેદવારીના પત્તા કપાઇ જવા પામ્યાં હોવા છતાં ગત ટર્મના નેતાઓ પાલિકાને હજુ પણ પોતાની જાગીર સમજતાં હોય તેમ પડી પટોળે ભાત ફાટે પણ મીટે નહીંના વહીવટી ખેલ યથાવત રાખતાં પાલિકા સંકુલમાં છુપો ગણગણાટ ઊઠવા પામ્યો છે. બીજી બાજુ હાલમાં વહીવટદારનું શાસન હોવા છતાં રચાતા વહીવટી ખેલ સામે વહીવટદાર ધૃતરાષ્ટ્ર બની ગયાં હોવાની ચર્ચા નગરમાં હોટ ટોપિક બની છે.

રવિવારે આણંદ પાલિકાનો ચૂંટણી જંગ યોજાનાર છે. જે અંતર્ગત આશરે ગત ૧૫ ડિસેમ્બરના પાલિકા શાસકોનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો. વહિવટદારની નિમણૂંક કરવામાં આવી હતી. આમછતાં કેટલાંક નેતાઓએ પાલિકા સંકુલ પોતાની પેઢી હોય તેમ ડેરાતંબુ યથાવત રાખ્યાં છે. જે-તે સમયે આ મુદ્દો સંકુલમાં ચર્ચા પર હતો, પરંતુ પાલિકા જંગમા પુનઃ ટિકિટ મળતાં ફરી ચૂપકીદી સેવવામાં આવી હતી. જાેકે, છેલ્લા એક દશકથી પાલિકામાં વકરેલાં ભ્રષ્ટાચાર તથા પક્ષની નવી નીતિના કારણે - પોતે છે તો જ પાલિકામાં શાસન છેની શેખી મારનારાં નો રિપીટ થયાં છે. આમછતાં ચૂંટણી જંગના અંતિમ સમય સુધી પત્તા કપાવા છતાં નેતાઓના પાલિકામાં ડેરાતંબુ યથાવત રહ્યાં છે. આની પાછળનો આશય શું છે? એવાં સવાલ સાથે શહેરના વિવિધ વિસ્તારમાં પરપ્રાંતીય શેરડી રસના વેપાર કરતાં હોય અગાઉની માફક મળતિયાના નામે પાલિકા પાસેથી સસ્તા ભાડે જગ્યા મેળવી વેપારીઓને ઊંચા ભાવે આપી તગડી કમાણીના ખેલ રચવા અત્યારથી જ અડિંગા જમાવ્યાં હોવાનું પાલિકામાંથી જાણવા મળ્યું છે.

જાેકે, નેતાઓના વહિવટી ખેલ પડી પટોળે ભાત ફાટે પણ મીટે નહીંના ખેલ પાલિકામાં વહિવટદારનું શાસન હોવા છતાં તેઓની ચૂપકીદી કેમ? પાલિકાના વહિવટદાર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં કેમ? જેવાં સવાલો પાલિકા સંકુલથી નીકળઈ હવે નગરમાં પૂછાવા લાગ્યાં છે!

શેરડી કોલો પર એક જ વેપારી પાસેથી શેરડી ખરીદવાના પણ ખેલ!

પાલિકાના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પાલિકા હદના વિવિધ વિસ્તારમાં ઊભાં કરાતાં શેરડી રસના કોલા પર એક જ વેપારી પાસેથી શેરડીની ખરીદ કરી તેમાં પણ લાગભાગ અગાઉની માફક ગોઠવવાની માગ કરવામાં આવતાં ભ્રષ્ટાચારની હવે પરાકાષ્ટા વટાવી દેવામાં આવી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો છે.