ભરૂચ, વર્ષ ૨૦૧૬ જૂનથી અત્યાર સુધી ભરૂચ નગરપાલિકાનાં સત્તાધીશો દ્વારા રૂપિયા ૨૫.૮૬ કરોડ નર્મદા નિગમનાં મીઠાં પાણી પેટે બાકી નીકળે છે. ભરૂચ નગરપાલિકાએ વેળારૂપી નળનાં કનેક્શન દીઠ રૂપિયા ૯૦૦/- વાર્ષિક ઉઘરાવે છે. હાલમાં ભરૂચ શહેરમાં આશરે ૪૦,૦૦૦ જેટલા નળ કનેક્શન ચાલી રહ્યા છે. તો નગરપાલિકાએ ઉઘરાવેલ રૂપિયા નું શું કર્યું, તેવો બીપીનચંદ્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે નગરપાલિકાની ફરીથી ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તા અન્ય પક્ષનાં હાથમા જતી રહે અને નર્મદા નિગમના અધિકારીઓ બાકી પડતાં નાણાંની ઉઘરાણી કરે તો નાણાંના અભાવે નગરપાલિકા સત્તધીશો બાકી પડતાં રૂપિયા ચૂકવવા અસક્ષમ નીવડે જે સ્વાભાવિકપણે બને. જેથી નર્મદા નિગમ અચાનક પાલિકાને પીવાનું પાણી આપવાનું બંધ કરે તો પાણી વગર ભરૂચની જનતાની દશા શું થાય તે એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.  

ભરૂચના સામાજિક કાર્યકર બિપિન જગદીશનવાળાએ જણાવ્યું હતું કે, જેથી નગરપાલિકા સત્તાધીશો આ રૂપિયા કેમ નથી ભર્યા તેનો જનતા સમક્ષ જવાબ આપે અને આ બાકી પડતાં નાણાં ભરાશે કે નહીં તેની પણ માહિતી આપે. ત્યારે જાેવું રહ્યું કે, ભરૂચ નગરપાલિકાના પાંચ વર્ષની ટર્મ પુરી થવાના ૬ દિવસ બાકી રહ્યા છે. તો હંમેશા વિવાદોમાં ઘેરાયલ ભરૂચ નગરપાલિકાનું વધુ એક ભોપાળુ બહાર આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું કે, આ બાબતે જે પણ વેરાના રૂપિયા આવે છે તે વિકાસના કામ અર્થે વપરાયા છે. પાલિકાને દર મહિને પાણી વિતરણનો ૮૩ લાખના માતબર ખર્ચ સામે વેરારૂપી આવક ૫૦.૨૫ લાખ થાય છે. નર્મદા નિગમે માર્ચ ૨૦૨૧ થી જ સરદાર સરોવરમાંથી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે પુરા પડાતા પાણીના ભાવોમાં ૧૦ ટકાના વધારા સાથેની જાહેરા પણ કરી છે. ચાલુ વર્ષે પીવા માટે દર ૧૦૦૦ લીટર પાણી દીઠ રૂ.૩.૮૦ ચૂકવાય છે, જે હવેથી વધીને રૂ.૪.૧૮ થવા જાય છે. ભરૂચને રોજનું ૪૨ લાખ લીટર પાણી મળતું હોય તો નર્મદા નિગમનું બિલ માર્ચ ૨૦૨૧ થી રોજનું ૧૭૫૫૬ અને મહિને રૂ.૫૨.૬૬ લાખ થઈ જશે અને હાલમાં વેરરૂપી આવતી રકમમાં ઘટ પડે છે. તેમજ રાજ્ય સરકારમાંથી આવતી ગ્રાન્ટો કામ અનુસાર વપરાય જ છે. બીપીનચંદ્ર જગદીશનવાળા નર્મદા નિગમમાં રીટાયર અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય કાયદામાં જ્યાં પણ ડેમ બને તેના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પાણીની સુવિધાનો મફતમાં લાભ મળવો જાેઇએ. પણ બાયલી નેતાગીરીના પાપે આ લાભ મળવાની જગ્યાએ લોકોએ પાણીના રૂપિયા ચૂકવવા પડે છે.