વડોદરા : વડોદરા શહેરમાં મંગળવારે ધોધમાર ચાર ઈંચ વરસાદ થયા બાદ આજે દિવસ દરમિયાન વાદળિયા માહોલ વચ્ચે છૂટોછવાયો અડધો ઈંચ વરસાદ થયો હતો. પરંતુ ગઈકાલે થયેલા ધોધમાર વરસાદને કારણે પાણી આજે બીજા દિવસે પણ શહેરના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભરાયેલા રહેતાં લોકોએ પાલિકાતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે થયેલા ૧૫ મિ.મી. વરસાદ સાથે વડોદરા શહેરમાં અત્યાર સુધી મોસમનો ૯૮.ર૮ ટકા વરસાદ થઈ ગયો છે.

ચાલુ ચોમાસાની મોસમમાં અષાઢ-શ્રાવણ મહિનો પૂરો થતાં સુધી છૂટોછવાયો વરસાદ થતાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતા વચ્ચે તંત્ર ચિંતામાં મુકાયું હતું, પરંતુ ભાદરવો મહિનો શરૂ થતાં વરસાદે જાેરદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ મંગળવારે વડોદરા શહેરમાં બપોરે અને સમીસાંજે ધોધમાર વરસાદ ખાબકવાની સાથે ર૪ કલાક દરમિયાન ચાર ઈંચ વરસાદ થતાં મોટાભાગના શહેરોમાં પાણી-પાણી થઈ ગયા હતા. જાે કે, આજે સવારથી વાદળિયું વાતાવરણ રહ્યું હતું અને છૂટાછવાયા હળવા ઝાપટાને બાદ કરતાં ધોધમાર વરસાદ થયો હતો. આજે સવારે છ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી ૧પ મિ.મી. એટલે કે અડધો ઈંચ વરસાદ થયો હતો. જાે કે, શહેરના આજવા રોડ, એકતાનગર, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ પર કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલાં રહેતાં તેમજ કેટલાક સ્થળે વરસાદી ગટરમાંથી પાણી બહાર નીકળતાં લોકોએ પાલિકાતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ગાજરાવાડી, ગણેશનગર પાસે વરસાદી પાણી ભરાવાની સાથે ગંદકીના ઢગલા જામતાં લોકો પરેશાન થયા હતા. શહેરમાં મોસમના સરેરાશ ૧૦૫૦ મિ.મી. વરસાદની સામે અત્યાર સુધીમાં ૧૦૩૧ મિ.મી. એટલે કે ૯૮.૨૮ ટકા વરસાદ થઈ ગયો છે. આમ વડોદરા શહેરમાં મોસમનો લગભગ વરસાદ થઈ ગયો છે.

કયાં કેટલો વરસાદ ?

સૌથી વધારે પાદરામાં ૧.૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો તે સાથે અન્ય તાલુકાઓ પૈકી કરજણ ખાતે ૩૧ એમ. એમ. , ડભોઈ ખાતે ૨૭ એમ. એમ., વાધોડીયા ખાતે ૧૦ એમ.એમ. ,વડોદરા ખાતે ૧૫ એમ.એમ. , સાવલી ખાતે ૪ એમ .એમ. અને શિનોર ખાતે ૧૨ એમ .એમ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ નોંધાયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હતી.

જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સાબદુ કરાયું

‘ગુલાબ’ વાવાઝોડા બાદ હવે ‘શાહીન’ વાવાઝોડામાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે રાહત બચાવની કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.૩૦ સપ્ટેમ્બર સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તમામ સંબંધિત કચેરીઓને સાવચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લઈ સાવધ રહેવા કલેકટર આર.બી.બારડે સૂચના આપી છે. કલેકટરે જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી તમામ તાલુકા કંટ્રોલ રૂમના નંબરો ચાલુ રહે તે જાેવા માટે સૂચનાઓ આપી છે.

જાનહાનિ અટકાવી શકાય એ માટે સાવચેતીના ભાગરૂપે તમામ પગલાંઓ પણ લેવાઈ રહ્યા છે. જેમાં કંટ્રોલ રૂમ પર જે તે જફરજ પરના કર્મચારી-અધિકારી હાજર રહે તે સુનિશ્ચિત કરી લેવા સહિત કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફતે ગ્રામ્યકક્ષા સુધી મેસેજ પહોંચાડી લોકોને ગાજવીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા માટે સજાગ કરવા અને ગાજવીજ દરમિયાન વૃક્ષો નીચે કે ઈલેકટ્રીક પોલ, વાયર પાસે ન ઊભા રહેવા જેવી માહિતી પહોંચાડવાની રહેશે. જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમમાં વર્ગ-રના અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવાની રહેશે.

વધુ વરસાદ અને વાવાઝોડાની શક્યતા હોઈ તમામ અધિકારીઓ એલર્ટ રહી હેડક્વાર્ટર નહીં છોડવા અને જિલ્લા-તાલુકા કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહી કોઈપણ બનાવના સંજાેગોમાં તાત્કાલિક બચાવ રાહતના પગલાં લેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થળાંતર અથવા રેસ્કયૂ બચાવની કામગીરીની સ્થિતિ સર્જાય તો આગોતરા આયોજનના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાબદી કરવામાં આવી છે. જિલ્લાના નાના મોટા સિંચાઈના ડેમના પાણી છોડવાના સમયે, નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર માટે અનુકૂળતા રહે તે માટે જાણ કરવાની રહેશે અને તે અંગે જરૂર જણાયે આગોતરું આયોજન કરવા સૂચના આપી છે. નદી-નાળા-તળાવ જેવા વિસ્તારોમાં લોકો નહાવા ન જાય તે અંગેની તકેદારી રાખવા પણ સંબંધિતોને સાબદા કરાયા છે અને કોઈપણ નુકસાન થાય તો ત્વરિત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે.

વઢવાણા સિંચાઈ તળાવની જળસપાટી ૫૪.૮૮ મીટરે પહોંચી

કાર્યપાલક ઈજનેર વડોદરા સિંચાઈ વિભાગ મુજબ આજે સવારે વઢવાણા સિંચાળ તળાવનું લેવલ પ૪.૮૮ મીટરે પહોંચ્યું છે. તળાવમાં ૬૯ ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી આગાહીને પગલે અગમચેતીના ભાગરૂપે વઢવાણા સિંચાઈ તળાવનું લેવલ જાળવવા આઉટલેટ નંબર-૩ માંથી ૪૦ ક્યુસેક અને આઉટલેટ નંબર-૪ માંથી ર૦ ક્યુસેક મળી ૬૦ ક્યુસેક પાણી કેનાલોમાં છોડવામાં આવશે. ડભોઈ, કરજણ અને વડોદરા ગ્રામ્યના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા કલેકટર કચેરીના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જણાવાયું છે.

જરોદ હેડ કવાટર ખાતે બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની છ ટીમ સ્ટેન્ડ બાય

વડોદરા ઃ ગુલાબ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઇ શાહીન સ્વરૂપે અસર કરી રહ્યુ હોય રાજયના કેટલાક હિસ્સાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે.અને આગામી પાંચ દિવસ ભારે અને અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હોવાથી રાજયમાં પૂરની સંભવિત સ્થિતિ સમયે બચાવ તેમજ રાહત કામગીરી કરવા માટે એનડીઆરએફની ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ વાતાવરણમાં કેટલાક વિસ્તારો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમદ્રમાં ગુલાબ વાવાઝોડું ફંટાઇને શાહીન સ્વરુપે એકટીવ થવાથી આગામી પાંચ દિવસ સુધી ભારેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે સંભિવત પુરથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ તેમજ રાહત કામગીરી કરવા માટે જરોદ હેડકવાટર ખાતે એનડીઆરએફની છ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.તેમજ ૧૪ ટીમ સુરત,નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પાટણ અને ખેડા ખાતે એનડીઆરએફની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છેે. સુરત, વલસાડ, ડાંગ, અમદાવાદ, આણંદ, તાપી, નર્મદા, ભરૂચ અને રાજકોટ ખાતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય તેમ છતાં સ્થિતિ સામાન્ય રહી શકે છે.

મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં અફવાઓથી સાવધાન રહી, સાવચેતીના પગલાઓને અનુસરી ભયમુક્ત રહી સહકારભર્યુ વલણ દાખવવા જીલ્લા પ્રસાશન દ્વારા અપિલકરવામાં આવી છે.